રૂા.9 લાખની પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોરે આધેડને બેફામ માર માર્યો

  • રૂા.9 લાખની પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોરે આધેડને બેફામ માર માર્યો

રાજકોટમાં વ્યાજખોરોનો આતંક : પોલીસ મુકપ્રેક્ષક રાજકોટ તા.17
શહેરમાં વ્યાજખોરો બેફામ બન્યા હોય તેમ રૂા.9 લાખની પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોરે આધેડને બેફામ માર માર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વ્યાજે લીધેલા રૂા.3 લાખ વ્યાજ સહિત ચુકવી દીધા બાદ પણ વ્યાજનો વરૂ ત્રાસ ગુજારતો હોવાનો આક્ષેપ કર્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ ઉપર આવેલ શ્રીપાર્ક સોસાયટીમાં રહેતા ઇન્દુભાઇ બચુભાઇ સરસીયા નામના 50 વર્ષના ભરવાડ આધેડ 80 ફુટ રોડ ક્રાંતિમાનવ સેવા ટ્રસ્ટ પાસે હતા ત્યારે ભરત ભરવાડ નામના શખ્સે ઝઘડો કરી બેટ વડે બેફામ માર માર્યો હતો. આધેડને મોઢામાં ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે તાત્કાલીક સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક પુછતાછમાં હુમલામાં ઘવાયેલા ઇન્દુભાઇ ભરવાડની સારવાર માટે ભરત ભરવાડ પાસેથી રૂા.3 લાખ વ્યાજે લીધા હતા. બાદમાં ઇન્દુભાઇ ભરવાડે પોતાની ગાયો વેંચી રૂા.3 લાખ અને તેનું વ્યાજ મળી રૂા.7 લાખની ચૂકવણી કરી દીધી હતી. તેમ છતા વ્યાજખોરે ભરત ભરવાડે બે માસ પૂર્વે પઠાણી ઉઘરાણી કરી માર માર્યો હતો. તે વખતે ઇન્દુબાઇ ભરવાડે ફરીયાદ નોંધાવી હતી. બાદમાં ફરી વ્યાજખોર ભરત ભરવાડે ઇન્દુભાઇ ભરવાડ પાસે રૂા.9 લાખની પઠાણી ઉઘરાણી કરી માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.