મહિલા T-20માં વર્લ્ડ કપ હાંસલ કરવાનું ભારતનું સપનું રોળાયું

  • મહિલા T-20માં વર્લ્ડ કપ હાંસલ કરવાનું ભારતનું સપનું રોળાયું
    મહિલા T-20માં વર્લ્ડ કપ હાંસલ કરવાનું ભારતનું સપનું રોળાયું

નોર્થ સાઉન્ડ (એન્ટીગા) તા.23
આજે અહીં સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી મહિલાઓની ઝ-20ઈં વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 8-વિકેટથી પરાજય થતાં હરમનપ્રીત કૌર અને એની સાથી ખેલાડીઓ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે. ઈંગ્લેન્ડના હાથે ભારતીય મહિલા ક્રિકેટરોને આ બીજી વાર મોટો પરાજય સહન કરવો પડ્યો છે. 2017માં 50-ઓવરની વર્લ્ડ કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડના હાથે મિતાલી રાજનાં નેતૃત્વવાળી ભારતીય ટીમનો 9-રનથી પરાજય થયો હતો. હરમનપ્રીત કૌરે ટોસ જીતી પહેલા બેટિંગ લીધી હતી. ભારતીય ટીમ 19.3 ઓવરમાં 112 રનના સામાન્ય સ્કોરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. એના જવાબમાં, ઈંગ્લેન્ડે 17.1 ઓવરમાં માત્ર બે જ વિકેટના
ભોગે 116 રન કરીને મેચ જીતી લીધી હતી.
ઈંગ્લેન્ડની વિકેટકીપર એમી જોન્સ (53*) અને નતાલી શીવર (52*)ની જોડીએ ત્રીજી વિકેટ માટે 92 રનની અતૂટ ભાગીદારી કરીને એમની જીતને આસાન વિજય અપાવ્યો હતો.
જોન્સે 45 બોલના દાવમાં એક સિક્સર અને 3 બાઉન્ડરી ફટકારી હતી જ્યારે શીવરે રમેલાં 40 બોલમાં પાંચ ચોગ્ગા હતા.
ભારતે ડેનિયેલ વાયેટ (8) અને ટામી બોમોન્ટ (1)ની વિકેટ દાવનાં પ્રારંભમાં ખેરવતાં ભારતીય ટીમ આનંદમાં આવી ગઈ હતી, પણ ત્યારબાદ જોન્સ-શીવરની જોડી ભારતીય બોલરો સંપૂર્ણપણે છવાઈ ગઈ હતી અને એમને વધુ વિકેટ મેળવવા દીધી નહોતી. એમી જોન્સને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવી હતી.
25 નવેમ્બરે એન્ટીગામાં જ રમાનારી ફાઈનલમાં ઈંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. પહેલી સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને 71-રનથી પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા સતત પાંચમી વાર આ સ્પર્ધાની ફાઈનલમાં પહોંચ્યું છે.
ભારતનાં દાવમાં ઓપનર સ્મૃતિ મંધાના 34 રન કરીને ટીમની ટોપ સ્કોરર રહી હતી. વિકેટકીપર તાન્યા ભાટિયા 11, જેમિમા રોડ્રિગ્સ 26, કેપ્ટન હરમનપ્રીત કૌર 16, વેદા કૃષ્ણમૂર્તિ 2, દીપ્તી શર્મા 7, ડી. હેમલતા 1, અનુજા પાટીલ શૂન્ય પર, રાધા યાદવ 4, અરુંધતિ રેડ્ડી 6 રન કરીને આઉટ થઈ હતી. ઈંગ્લેન્ડની કેપ્ટન અને ઓફ્ફ બ્રેક બોલર હીધર નાઈટે 2 ઓવરમાં 9 રન આપીને 3 વિકેટ લીધી હતી.
અનુભવી અને ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજને આજની મેચની ટીમમાં સામેલ ન કરવાનો નિર્ણય ભારતીય ટીમને મોંઘો પડી ગયો.