કારસવાર ત્રણ શખ્સે સરાજાહેર પરિણીતાની છેડતી કરી માર માર્યો

  • કારસવાર ત્રણ શખ્સે સરાજાહેર પરિણીતાની છેડતી કરી માર માર્યો

વચ્ચે પડેલી દેરાણી ઉપર પણ હુમલો કરી નાસી છૂટ્યા
રાજકોટ તા,17
ગાંધીગ્રામમાં આવેલા જીવંતીકાનગરમાં રહેતી પરિણિતા રાત્રીના સમયે શિતલપાર્ક મેઈન રોડ ઉપર આવેલા ઉગતા પોરની મેલડી માતાજીના મંદિર પાસે હતી. ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ પરિણિતાની પજવણી કરી માર માર્યો હતો. જેઠાણીને બચાવવા વચ્ચે પડેલી દેરાણી ઉપર પણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલી બન્ને પરિણિતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જીવંતીકાનગરમાં રહેતી અંકિતાબેન યોગેન્દ્રભાઈ બોરીચા નામની 25 વર્ષની પરિણીતા રાત્રીના બારેક વાગ્યાના અરસામાં શિતલપાર્ક મેઈન રોડ ઉપર આવેલ ઉગતા પોરની મેલડી માતાજીના મંદિર પાસે હતી. ત્યારે ઈકોકારમાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ પરિણિતાની પજવણી કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. પરિણિતાને બચાવવા વચ્ચે પડેલી દેરાણી મયુરબેન રવિભાઈ બોરીચા ઉપર પણ ત્રણેય શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી દેરાણી - જેઠાણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ભોગ બનનાર અંકિતાબેન બોરીયાની પ્રાથમિક પુછતાછમાં તેણી ઉગતા પોરની મેલડી માતાજીના દર્શન કરવા રાત્રીના અગીયારેક વાગે ગઈ હતી. ત્યાં મંદિરની બાજુમાં રોડ ઉપર બેઠી હતી ત્યારે અજાણ્યા બાઈક ચાલકે રોકી કર્યા બાદ ઈકો કારમાં ત્રણ શખ્સો ઘસી આવ્યા હતા. તેમના એક શખ્સે પરિણિતા પાસે બિભત્સ માંગણી કરી પજવણી કરી હતી. પરિણિતાએ તેઓથી બચવા પતિ યોગેન્દ્ર બોરીચાને ફોન કરતા પતિ, દિયર રવિ બોરીચા અને દેરાણી મયુરી ત્યા ઘસી આવ્યા હતા.
ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈ અંકિતા બોરીચાને ઢીકા પાટુનો માર મારતા બચાવવા વચ્ચે પડેલી દેરાણી મયુરીને પણ માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.