કચ્છ કરતા પણ વધુ ટેન્કરો રાજકોટમાં

  • કચ્છ કરતા પણ વધુ ટેન્કરો રાજકોટમાં

 આકરા ઉનાળાની શરૂઆત થતાં જ પીવાનું પાણી પહોંચાડવું વહીવટી તંત્ર માટે પડકારજનક 
રાજકોટ તા. 17
રાજકોટમાં પાણીની કોઇ સમસ્યા નથી તેવા વખતો વખતનાં દાવાઓ છતાં પરિસ્થિતિ ખુબ જ જુદી છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ટેન્કરો રાજકોટ જિલ્લામાં દોડી રહ્યા છે. વહિવટી તંત્ર માટે ઉનાળાનાં સમયે લોકોને પીવાનું પાણી પહોંચાડવુ પડકારજનક બની રહ્યું છે. સૌરાષ્ટ્રમાં કુલ 51 તાલુકાના 375 ગામો ટેન્કર પર આધારિત છે.
લોકસભા સાથે વિધાનસભાની 4 બેઠકોની ચુંટણી ટાણે રાજયમાં આ વખતનો ઉનાળો વહીવટી તંત્ર માટે આકરો બની રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં એક તરફ ચુંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે બીજી તરફ પીવાના પાણીના ટેન્કરોની દોડાદોડ થઇ રહી છે. અત્યારે 14 જિલ્લાના 51 તાલુકાઓમાં પાણીની તંગી વર્તાઇ રહી છે. જેને પહોંચી વળવા માટે 213 ગામો, 162 પરા મળીને 375 ગામપરામાં ટેન્કરોની પાણી અપાઇ રહ્યું છે. સતાવાર રીતે જણાવાય છે કે, 295 ટેન્કરદના 1360 ફેરા કરીને પીવાનું પાણી પહોંચાડાઇ રહ્યું છે. જો કે વાસ્તવિક આંકડા આના કરતાં ઘણાં વધુ છે.
મુખ્યમંત્રી રૂપાણીની કર્મભુમિ એવા રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 300 ફેરા દ્વારા પાણી અપાઇ રહ્યું છે. આ જિલ્લામાં 21 ગામ-પરા અસરગ્રસ્ત છે. જયાં 41 ટેન્કર દોડાવઇ રહ્યાં છે. રસપ્રદ એ છે કે, નપાણિયો દુષ્કાળગ્રસ્ત કચ્છ જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત હોવા છતાં ત્યાં રાજકોટ કરતાં ઓછા ટેન્કરો દોડી રહ્યાં છે. કચ્છના 77 ગામપરામાં પીવાના પાણીનો કકળાટ છે ત્યાં 26 ટેન્કરો દ્વારા 124 ફેરાં થઇ રહ્યાં છે.
સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ દ્વારકામાં 39 ગામપરા, જામનગરમાં 35 ગામપરા, સુરેન્દ્રનગરમાં 27 તથા અમરેલીમાં 26 ગામપરામાં ટેન્કરો દોડાવાઇ પાણી અપાઇ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને તાપી જિલ્લામાં અનુક્રમે 39 અને 24 ગામપરા અસરગ્રસ્ત છે. જયારે ઉત્તર ગુજરાતના પાટણમાં 108 ફેરા દ્વારા અને બનાસકાંઠાના 8 ટેન્કરો દોડાવી પાણી અપાઇ રહ્યું છે. મે માસમાં પીવાના પાણીની સ્થિતી વધુ વિકટ બનશે, તેમ પણ જણાવાઇ રહ્યું છે.