સ્થા.જૈન સમાજ દ્વારા મહાવીર પ્રભાતફેરી યોજાઈ

  • સ્થા.જૈન સમાજ દ્વારા મહાવીર પ્રભાતફેરી યોજાઈ

અનંત ઉપકારી શ્રમણ ભગવાન પ્રભુ મહાવીરનો જન્મ કલ્યાણક મહોત્સવ ચૈત્ર સુદ તેરસ, તા.17/4/19ના સોનેરી સૂર્યોદયે સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા એવમ્ સ્થાનકવાસી જૈન મોટા સંઘ સંકલિત પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવના પાવન દિવસે વીર વર્ધમાનના વ્હાલથી વધામણા કરવા સુંદર મજાની મહાવીર પ્રભાતફેરીનું સ્થાનકવાસી ધર્મની પરંપરા મુજબ અનુકરણીય એવમ અનુમોદનીય કાબીલેદાદ આયોજન કરેલ. લોકસભાના ઉમેદવાર મોહનભાઇ કુંડારિયા તથા પુજીત રૂપાણી ટ્રસ્ટના અમિનેષભાઇ રૂપાણી મહાવીર પ્રભાત ફેરીમાં ઉપસ્થિત રહેલ.
રાજકોટના રાજમાર્ગો ઉપર ત્રિશલા નંદન વીર કી, જય બોલો મહાવીર કીના ગગનભેદી જયનાદ સાથે અનેક ભાવિકો મહાવીર પ્રભાત ફેરીમાં જોડાયેલ. સૌ મહાવીર પ્રેમીઓના મુખ ઉપર સ્થા. જૈન ધર્મનું પ્રતિક મુહપતિ શોભતી હતી. ત્રિકોણબાગથી મહાવીર પ્રભાત ફેરી શરૂ થઇ લાખાજીરાજ રોડ, સાંગણવા ચોક, મુળવંતભાઇ દોમડિયા ચોક, આચાર્ય ભગવંત પૂ. ડુંગરસિંહજી મ.સા. ચોક થઇ વિરાણી પૌષધશાળાના પ્રવચન હોલમાં મહાવીર સભામાં પરિવર્તિત થયેલ.
ગોંડલ સંપ્રદાયના પરમ શ્રધ્ધેય પૂ.ગુરુદેવ શ્રી ધીરજમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી સ્વ. પૂ.કાંતાબાઇ મ.સ.ના સુશિષ્યા પૂ.ઉષાબાઇ મ.સ., પૂ.વીણાબાઇ મ.સ.એ મહાવીર સંદેશ પાઠવેલ. 
આ અવસરે ગોંડલ સંપ્રદાયવતી ચંદ્રકાન્તભાઇ શેઠ, સમસ્ત રાજકોટના સંઘોવતી હરેશભાઇ વોરાએ ઉદ્બોધન કરેલ. લક્કી ડ્રોનું સંચાલન દિનેશભાઇ દોશીએ કરેલ. કૌશિકભાઇ વિરાણીએ આભાર વ્યક્ત કરેલ. સંચાલન હિતેશભાઇ બાટવિયાએ કરેલ, પૂ.જાગૃતિબાઇ મ.સ.એ મંગલ પાઠ-માંગલિક ફરમાવેલ. વિશાળ પ્રમાણમાં શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહી પ્રભુ મહાવીરનો જય જયકાર કરેલ. સમસ્ત રાજકોટ સ્થા. જૈન સંઘોના સહકાર અને સહયોગથી ઉપસ્થિત દરેક ભાવિકોને રૂા. પચાસની પ્રભાવના એવમ્ લક્કી ડ્રોનું આયોજન કરવામાં આવેલ.