કિંગફિશરની જેમ હવે જેટ એરલાઈન્સ પણ બંધ થવાના આરે

  • કિંગફિશરની જેમ હવે જેટ એરલાઈન્સ પણ બંધ થવાના આરે

મુંબઈ: કિંગફિશરની જેમ જેટ એરલાઈન્સ પણ બંધ થવાની તૈયારીમાં હોવાના અહેવાલ છે. કંપનીને લોન આપનારી બેન્કો તરફથી વધુ ફન્ડિંગ મળવાની આશા નહીં હોવાથી જેટ મેનેજમેન્ટે બોર્ડ સમક્ષ કંપની સંપૂર્ણપણે બંધ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સાથે જેટમાં ભાગીદારી વેચવાના પ્રયાસો નિષ્ફળ થઇ રહ્યા છે. નરેશ ગોયલના પ્રતિનિધિત્વવાળી ત્રણ કંપનીઓના જૂથે બોલી પ્રક્રિયામાંથી હાથ ખેંચી લીધો છે. અગાઉ એતિહાદ એરવેઝ અને ટીપીજી કેપિટલે પણ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો ગોયલ જેટમાંથી નહીં હટે તો તેઓ હરાજીમાં નહીં જોડાય. કંપની સૂત્રોએ પણ જણાવ્યું કે એરવેઝ પોતાના ગ્રાહકોને છેતરવા માગતી નથી અને એવા ભ્રમમાં રાખવા માગતી નથી કે કંપની હજુ પણ સંચાલિત છે. તેથી એવું લાગે છે કે 25 વર્ષ જૂની આ કંપની હવે ડચકાં ખાઇ રહી છે. હાલમાં ઇંધણનો પૂરતો ખર્ચ વહન નહીં કરી શકવાને કારણે જેટનાં 119માંથી માત્ર 7 જ વિમાન ઊડી રહ્યાં છે.