આજી-ન્યારીમાં જુલાઈ સુધીનું પાણી

  • આજી-ન્યારીમાં જુલાઈ સુધીનું પાણી

માગ્યા વગર મળતા રાજકોટની જળ સમસ્યા ટળી રાજકોટ તા,16
રાજકોટ શહેરને પીવાનું પાણી પુરુ પાડતા આજી અને ન્યારી ડેમમાં હાલ જુલાઈ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ થઈ જતાં રાજકોટ શહેરની જળ સમસ્યા હાલ પુરતી ટળી છે. ન્યારી ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાનીરની આવક બંધ થઈ છે જ્યારે સુરેન્દ્રનગર માટે પાણી છોડવામાં આવતા લાગુ લાઈનમાં પાણી વહેતા આજીડેમમાં ફરી વખત ધીરે ધીરે નર્મદા નીરની આવક શરુ થઈ છે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનિએ જણાવેલ કે ન્યારી ડેમમાં હાલ જુલાઈ સુધી ચાલે તેટલુ પાણી હયાત છે જ્યારે આજીડેમમાં મે માસમાં સૌની યોજના અંતર્ગત નર્મદાનીર ઠલવવાની યોજના બનાવવામાં આવી હતી પરંતુ સુરેન્દ્રનગરથી સૌનીનું પાણી સપ્લાય કરવાનું ચાલુ થતાં તેને લાગુ આજીડેમની લાઈનમાં પણ પાણીનો જથ્થો આવતા હાલ છેલ્લા બે દિવસથી આજીડેમમાં નર્મદાનીરની આવક ધીમા પ્રવાહથી ચાલુ થઈ છે. આજીડેમમાં હાલ 349.64 એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. દરરોજ 3 એમસીએફટી પાણીનો વધારો થઈ રહ્યો છે. આથી આજી ડેમમાં જુલાઈ માસ સુધી પાણીનો જથ્થો ઉપલબ્ધ થઈ જતાં પાણી સમસ્યા હલ થઈ છે.
રાજકોટ શહેરને દરરોજ 300 એમએલડી પીવાના પાણીની જરૂરિયાત છે જ્યારે હડાળા, ખંભાળા અને બેડી ખાતેથી 102 એમએલડી નર્મદા નીર ઉપાડવામા આવી રહ્યા છે તેવી જ રીતે ભાદર ડેમમાંથી 40 એમએલડી પાણીનો જથ્થો ઉપાડવામાં આવી રહ્યો છે. અને ન્યારી ડેમ માંથી દરરોજ 42 એમએલડી પાણી ઉપાડાય છે. તેવી જ રીતે આજીમાંથી દરરોજ 120 એમએલડી પાણી સહિત શહેરની 300 એમએલડીની જરૂરિયાત પુરી કરવામાં આવી રહી છે. હાલ પીવાના પાણીની કોઈ સમસ્યા છે નહીં અને આગામી જુલાઈ માસ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપબ્ધ છે. ત્યારે જુલાઈ માસ બાદ વરસાદની ખેંચ અનુભવાય તો વધુ નર્મદાનીર આજી અને ન્યારી ડેમમાં ઠલવવાનું આયોજન કરવામાં આવ્યું છે.