ખંભાળીયાના જળસ્ત્રોતો ડુકયા: હવે સંપૂર્ણ મદાર નર્મદાનીર પર: પાણી કાપ ઝીંકાયો

ખંભાળીયા, તા. 22
ખંભાળીયા પંથકમાં આ વર્ષે તદન અપૂરતા વરસાદના કારણે જળસ્ત્રોતો ખાલી બની રહ્યા છે. આ વરસાદમાં ધી ડેમ ખાલી રહેલા હાલ તળીયાઝાટક થઈ ગયેલા આ ડેમના કારણે નગરપાલીકાના સતાધીશોને વધુ એક દિવસના પાણીકાપની ફરજ પડી છે.
હવેના દિવસોમાં ખંભાળીયા શહેર મહદ અંશે નર્મદા નીર આધારીત બની રહેશે.
ખંભાળીયામાં આ વખતે અનિયમિત રીતે 18 ઈંચ જેટલો વરસાદ વરસતાં શહેરને પાણી પુરૂ પાડતા 20 ફૂટના ધી ડેમમાં માત્ર ત્રણ ફૂટ પાણીનો જથ્થો આવ્યો છે. જે હાલ પૂર્ણ જતા ધી ડેમનું ડેડ વોટર લેવલ પણ ડુકી રહ્યું છે.
ખંભાળીયા શહેરને નગરપાલીકા દ્વારા વર્ષોથી એકાંતરા પાણી આપવામાં આવે છે. હાલ શહેરમાં દર બીજા દિવસે ત્રીશ મીનીટ પાણી વિતરણ કરાય છે.
શહેરને પાણી પુરૂ પાડતો ધી ડેમ તળીયા ઝાટક બની રહેતા હાલ આ ડેમના પાણીના સ્ત્રોતો, વર્ષો જુની ધી ડેમમાં રહેલી ત્રંભાની વાવ તથા બોર કુવા મારફતે શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા હાથ ધરવામાં આવે છે.
હાલમાં ધી ડેમ સાથે જળ સ્ત્રોતો ડુકી રહેતા છેલ્લા કેટલાક સમયથી અહીંના ધી ડેમમાં નર્મદા નદીના નીર મેળવીને પાણી વિતરણ કરાય છે. હાલ ખંભાળીને દરરોજ બે થી ત્રણ એમએલડી નર્મદાના પાણી મળે છે. ત્યારે દૈનિક પાણી વિતરણ માટે સાત એમએલડી પાણીની જરૂરિયાત અનિવાર્ય છે. અને સાત એમએલડી પાણી મળે તે માટે પાલીકા સતાધિશોએ ઉચ્ચ કક્ષાએ લેખીત માંગ કરી છે.
હાલમાં પાણીના સ્ત્રોતો તથા અપૂરતા નર્મદા નદીના મળતા પાણીને કારણે પાણીકાપ અનિવાર્ય બની રહેતા આવતી કાલે તા.23મીથી વધુ એક દિવસ પાણી કાપ લાદવાનું પાલીકા દ્વારા જાહેર થયું
છે.
હવેથી શહેરમાં દર ત્રીજા દિવસે પાણી વિતરણ કરવામાં આવશે તેમ એક યાદીમાં જણાવાયું છે.
સિંહણ ડેમમાંથી પાણી
મળે તે માટે રજૂઆત
ખંભાળીયા-જામનગર રોડ પર આરાધના ધામ નજીક આવેલો 22 ફૂટનો સિંહણ ડેમ આ વર્ષે મેઘ મહેરના કારણે ઓવરફલો થયો છે. ત્યારે સિંહણ ડેમથી ધી ડેમ વોટર સર્કસ સુધી 10 કીમીની પાણીની પાઈપ લાઈન મારફતે શહેરને પાણી મળે તે માટે પાલીકાના પ્રમુખ તથા ચીફ ઓફિસર દ્વારા જીલ્લા કલેકટરને લેખીત પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
ખંભાળીયા શહેર પર ઘણા વર્ષે પાણીની કપરી આફત આવી પડી છે. આ પરિસ્થિતિમાં નગરજનો પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરી સંપૂર્ણ રીતે સહકાર આપે તે માટેની અપીલ નગરપાલીકા ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવી છે.