અમરેલીમાં ધૂળીયા રસ્તાનાં કારણે વેપારીઓ ભારે પરેશાન

  • અમરેલીમાં ધૂળીયા રસ્તાનાં કારણે વેપારીઓ ભારે પરેશાન
    અમરેલીમાં ધૂળીયા રસ્તાનાં કારણે વેપારીઓ ભારે પરેશાન

અમરેલી,તા.રર
સમગ્ર વિશ્ર્વે અત્યારે પ્રદુષણના પ્રકોપ સામે બાંયો ચડાવી છે. દેશની રાજધાનીમાં તો લોકોને શ્ર્વાસ લેવાની પણ તકલીફ થઈ રહી છે. ત્યારે અમરેલી શહેરમાં વસતા લોકોની હાલાકી પણ તેનાથી કંઈ ઓછી ન હોય તેમ સમગ્ર શહેરમા ધુળીયા માર્ગના કારણે ડમરીઓ ઉડી રહી છે. આ ડમરીઓના કારણે મીઠાઈ વેચતા તથા અન્ય વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠયાં છે જેને લઈ ખાદ્ય સામગ્રી વેચતાં કેટલાક પ્રતિષ્ઠીત વેપારીઓએ પોતાની દુકાનમાં ધુળીથી રક્ષણ મેળવવા માટે પારદર્શક પ્લાસ્ટીકની દિવાલો ઉભી કરવી પડી છે.
અમરેલી શહેરમા ભુગર્ભ ગટરના કારણે મોટા ભાગના માર્ગો હવે ધુળીયા માર્ગ બની ગયાં છે. અને આવા તમામ ગાર્મો ઉપર વેપાર કરતાં વેપારીઓ અને ખાસ કરીને ખાણી,પીણી તથા મીઠાઈ ફરસાણનાં વેપારીઓની સામગ્રી ઉપર રીતસર ધુળની છારી બાજી જાય છે. જેના કારણે આવી ખાવાની ચીજવસ્તુઓ ફેકવાનો સમય આવે છે અને આવી ખાણી પીણીની વસ્તુઓ લોકોના શરીમાં જાય તો માનવી માટે ખતરનાક રોગ થઈ શકવાની પણ સંભાવનાં નકારી શકાય તેમ નથી.
આથી અમરેલીના કેટલાક પ્રતિષ્ઠીત મીઠાઈ ફરસાણ વેચતાં વેપારીઓ દ્વારા આ ધુળીયા માર્ગની ધુળ પોતાની દુકાનમાં આવી ન શકે તે માટે થઈ દુકાનના આગળના ભાગે પ્લાસ્ટીકની દિવાલ ઉભી કરવી પડી છે.
જયારે અન્ય વેપારીઓ ધુળની ડમરીથી રક્ષણ મેળવવા દુકાનની આગળનાં ભાગે પાણીનો છંટકાવ કરવો પડે તેવી સ્થિતીનું નિર્માણ અમરેલી શહેરમાં જોવા મળી રહ્યું છે.