‘રેરા’ કાયદામાં છેડછાડ કરનારાને છોડાશે નહીં

  • ‘રેરા’ કાયદામાં છેડછાડ કરનારાને છોડાશે નહીં
    ‘રેરા’ કાયદામાં છેડછાડ કરનારાને છોડાશે નહીં

નવીદિલ્હી તા,16
રિયલ્ટી ક્ષેત્રે કેન્દ્ર સરકારે ઘડેલા રેરાના કાયદામાં કોઈ સુધારા કરાશે નહીં. જો કોઈ રાજ્યો કાયદામાં ચેડાં કરીને સુધારા કરશે તો તેણે ખરાબ પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે તેવી ચેતવણી કેન્દ્રના હાઉસિંગપ્રધાને ઉચ્ચારી હતી. હરદીપસિંહ પુરીએ કહ્યું હતું કે, રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટ(રેરા)નો સંપૂર્ણ જોમ અને જુસ્સાથી અમલ કરાશે તો જ તેના લાભ લોકો સુધી પહોંચશે. દેશમાં મકાનો ખરીદનાર લોકોને ફાયદો કરાવવા અને ડેવલપર્સથી છેતરાતા બચાવવા માટે સરકારે રેરા કાયદો ઘડયો હતો અને સમયસર મકાનો બાંધીને લોકોને સોંપવાની જોગવાઈ કરી હતી. બિલ્ડર્સ દ્વારા રેરાના કડક કાયદા હળવા કરવા અને તેમાં સુધારા કરવા વારંવાર માગણી કરવામાં આવે છે પણ મકાન ખરીદનારના લાભાર્થે કાયદામાં કોઈ સુધારા કરાશે નહીં તેમ હાઉસિંગપ્રધાન પુરીએ રિયલ એસ્ટેટ કાયદાની સમજ આપવા યોજાયેલાં વર્કશોપ પછી પત્રકારોને જણાવ્યું હતું. સંસદે ઘડેલા આ કાયદાનો અમલ કરવા અને નિયમનકારી સત્તામંડળ રચવા રાજ્યોને સત્તા અપાઈ હતી, પુરીએ કહ્યું હતું કે, જે રાજ્યો કાયદામાં સુધારો કરીને તેનો અમલ કરશે તેની સામે કડક પગલાં લેવાશે. જે બિલ્ડર્સ કે ડેવલપર્સ દ્વારા મકાન ખરીદનારાઓને સમયસર મકાનો સોંપવામાં આવશે નહીં તેમનાં નામ જાહેર કરવા સરકાર શેહશરમ રાખશે નહીં.