હોંગકોંગ ઓપનમાં ભારતની ખેલાડી સિંધુએ પ્રથમ રાઉન્ડમાં મેદાન માર્યુ

  • હોંગકોંગ ઓપનમાં ભારતની ખેલાડી સિંધુએ પ્રથમ રાઉન્ડમાં મેદાન માર્યુ
    હોંગકોંગ ઓપનમાં ભારતની ખેલાડી સિંધુએ પ્રથમ રાઉન્ડમાં મેદાન માર્યુ

હોંગકોંગ, તા.15
વિશ્વમાં ત્રીજો નંબર ધરાવતી ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ હોંગકોંગ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં સંઘર્ષપૂર્ણ જીત સાથે બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ સાઇના નેહવાલનો જાપાનની અકાને યામાગુચી સામે વધુ એક વખત પરાજય થતાં પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ હતી. યામાગુચીએ સાઇનાને 10-21, 21-10, 21-19થી હાર આપી હતી. સાઇનાનો યામાગુચી સામે આ સાતમો પરાજય હતો જ્યારે સાઇના યામાગુચી સામે માત્ર બે વખત જીત મેળવી શકી છે. પીવી સિંધુએ થાઇલેન્ડની નિત્ચાનોન જિંદાપોલને એક કલાક એક મિનિટ સુધી ચાલેલી મેચમાં 21-15, 13-21, 21-17થી પરાજય આપ્યો હતો.
આ વિજયને કારણે સિંધુનો જિંદાપોલ સામે જીત-હારનો રેકોર્ડ 5-1 થઈ ગયો છે. સિંધુનો સામનો કોરિયાની સુંગ જી હિયૂન સામે
થશે. જે બંને વચ્ચે આ 14મો મુકાબલો હશે.
પુરુષ સિંગલ્સમાં કિદાંબી શ્રીકાંતે હોંગકોંગના વોંગ વિંગ કી વિન્સેન્ટને 21-11, 21-15થી હરાવ્યો હતો. અન્ય એક મેચમાં સમીર વર્માએ થાઇલેન્ડના સુપાન્યુ અવિહિંગ્સેનનને 40 મિનિટ ચાલેલી મેચમાં 21-17, 21-14થી હાર આપી હતી. બીજા રાઉન્ડમાં સમીરનો સામનો પાંચમા ક્રમાંકિત ચીનના ચેન લોંગ સામે થશે. અન્ય એક મેચમાં ભારતના બી. સાંઈ પ્રણિથનો થાઇલેન્ડના ખોસિટ ફેટપ્રદાબ સામે પરાજય થયો હતો. ત્રણ સેટ સુધી ચાલેલા મુકાબલામાં ફેટપ્રદાબે પ્રણિથને 16-21, 21-11, 21-15થી હાર આપી હતી.