આદિપુરમાં ન્યાયાધીશના મકાનમાં 90,000ની ચોરી

ભૂજ તા.14
શિક્ષણનગરી એવા આદિપુરમાં સનસનીખેજ 34 લાખની લૂંટ બાદ ન્યાયાધીશના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂા. 90,000ની મતાની ચોરી કરતાં ભારે ચકચાર પ્રસરી હતી. તો બાજુમાં આવેલા અન્ય એક મકાનમાંથી નિશાચરોએ રૂા. 65,000ની મતા ઉસેડી લીધી હતી તેમજ મુંદરાના બરાયામાં એક વાહનમાંથી રૂા. 42,000ના સ્પેરપાર્ટસની ચોરી થઇ હતી.
આદિપુર શહેરમાં 34 લાખની સરાજાહેર લૂંટના પ્રકરણમાં હજુ ભેદ ઉકેલાયો નથી. આ શહેરીમાં ચીલઝડપ, ચોરીના બનાવો વધી ગયા છે. તેવામાં ન્યાયાધીશના બંધ મકાનમાંથી ચોરીનો બનાવ બનતાં ભારે ચકચારની સાથે લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. આદિપુરના તોલાણી આંખની હોસ્પિટલ સામે વોર્ડ-2-બી પ્લોટ નંબર 340માં રહેતા અને ગાંધીધામ કોર્ટના ન્યાયાધીશ કીર્તિસિંહ પ્રધાનજી ઠાકોર ગત તા. 5-11ના પરિવાર સાથે વતન ગયા હતા. તેઓ પરત આવ્યા ત્યારે ચોરીનો આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો.
પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે આ બંધ મકાનના તાળા તોડી તસ્કરો અંદર ખાબકયા હતા. અંદરથી સોનાના દાગીના તથા ચાંદીના સિક્કા અને લેપટોપ એમ કુલ રૂા. 90,000ની મતાની તફડંચી કરી આગળ વધ્યા હતા. આટલાથી તસ્કરોને સંતોષ ન થયો હોય તેમ બાજુમાં રહેતા ગ્રીષ્માબેનના બંધ મકાનના તાળા પણ તોડયાં હતા. આ મકાનમાંથી દોઢ તોલા સોનું, રોકડ રકમ તથા લેપટોપ એમ આશરે રૂા. 65,000ની મતાની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા.
બીજી બાજુ બરાયા ગામે મહાશક્તિ કંપની સામે ચોરીનો ત્રીજો બનાવ બન્યો હતો. અહીં પાર્ક કરાયેલી ટ્રક નંબર જી.જે.-12-એ-9621માંથી જુદા જુદા સ્પેરપાર્ટસ એમ કુલ રૂા. 42,000ની મતાની ચોરી થઇ હતી. આ બનાવમાં મનીષકુમાર બિજદર રાય તથા દરોગા જનરબી રાયની પોલીસે અટક કરી હતી.