સાયલાના ઉમાપુરમાં ચાલુ કારમાંથી ફેંકી નર્સની હત્યા

  • સાયલાના ઉમાપુરમાં ચાલુ કારમાંથી ફેંકી નર્સની હત્યા
    સાયલાના ઉમાપુરમાં ચાલુ કારમાંથી ફેંકી નર્સની હત્યા

વઢવાણ તા. 14
સાયલાના ઉમાપુર ગામે યુવતીએ છેડતી કરનારને ટપારતા નરાધમે યુવતીને ચાલુ ગાડીએ બહાર ફેંકી હત્યા કરી નાખતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.
સાયલા તાલુકાના હામાપુર ગામે રહેતા રાયધણભાઈ વજલાણીના પત્ની દિપ્તીબેન ઉ.વ.28 સાયલાનાં નર્સ તરીકે ફરજ બજાવતી હોય, ગઈકાલે નોકરી ઉપર જવા માટે નિકળેલ દિપ્તીબેન બસ સ્ટેન્ડ પાસે વાહનની રાહ જોતા હતા તે દરમિયાન શાન્તુભાઈ બાવકુભાઈ કાઠી નામના શખ્સે હું સાયલા જાવ છું ચાલ ગાડીમાં બેસી જા તેમ કહેતા દિપ્તીબેન ઈકો ગાડીમાં બેસી ગયા હતાં. કાર થોડે આગળ જતા શાન્તુએ લખણ ઝળકાવ્યા હતા અને ચાલુ ગાડીએ દિપ્તીબેનની છેડછાડ કરી અઘટીત માંગણી કરતા દિપ્તીબેને તેનો પ્રતિકાર કરી તાબે નહીં થતા ચાલુ કારે દરવાજો ખોલી દિપ્તીબેનને ધકકો મારી બહાર ફેંકી દેતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું.
બનાવની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી દિપ્તીબેનની લાશને હોસ્પીટલે ખસેડી ફોરેન્સીક પીએમ માટે રાજકોટ ખસેડી હતી અને આરોપી શાન્તુ કાઠીની ધરપકડ કરી છે. આરોપી સામે ખુનનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સરાજાહેર યુવતીની છેડછાડ કરી હત્યા નિપજાવવાની ઘટનાએ પંથકમાં ચકચાર જગાવી છે. મૃતક પરિણીતા પર હવસખોર ડ્રાઈવરે દુષ્કર્મ આચરી હત્યા કરી છે કે કેમ તે પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ સાચી હકીકત જાણવા મળશે.
મૃતકના સાતેક વર્ષ પૂર્વે લગ્ન થયા હતાં અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. મૃતક સાયલા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા અને તેણીના પતિ રાયધણભાઈ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યુ છે.