રીંગરોડ-3નું જમીન સંપાદન શરૂ

રાજકોટ તા. 14
સ્માર્ટ સીટી યોજના અંતર્ગત રાજકોટ શહેરને 2031 ના અનુરૂપ બનાવવાના પ્રયાસો મહાનગરપાલીકાની સાથોસાથ રૂડાએ પણ હાથ ધર્યા છે. રીંગરોડ-2 ફેઈઝ-2 નું કામ પૂર્ણ થવામાં છે ત્યારે રીંગરોડ-3 બનાવવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે અને ન્યારાથી કાલાવડ રોડ સુધીના ફેઈઝ-1 ના જમીન સંપાદન માટેની સર્વેની કામગીરી શરૂ કરવામાં આવ્યાનું રૂડા ચેરમેન બંચ્છાનીધી પાનીએ જણાવ્યું હતું.
રીંગરોડ-3 નો ઘેરાવો 61 કીમીનો રહેશે પ્રથમ ફેઈઝમાં ન્યારાથી કાલાવડ રોડ સુધીના જમીન સંપાદનની સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે આ રોડ તૈયાર થતા વાજડીગઢ, વેજાગામ, ઈશ્ર્વરીયા, વાજડીવાડ, મેટોડા, વાગુદળ, રાવકી, પારડી, ગોંડલ રોડ ક્રોસ, વડાલી, ત્રંબા, ખેરડી, તરઘડીયા, ધમાલપર, ગૌવરીદડ, રતનપર, નારણકા અને જામનગર રોડના ન્યારાના પાટીયા પાસે પૂરો થવાનો હોય આ તમામ ગામોને રીંગરોડનો લાભ મળશે અને કાલાવડ રોડ તેમજ જામનગરથી આવતા વાહનો ડાયરેકટ રીંગરોડ-3 દ્વારા ગોંડલ રોડ સરળતાથી પહોંચી શકશે.
રૂડા ચેરમેન બંચ્છાનીધી પાનીએ વધુમાં જણાવેલ કે 2031 ના રાજકોટનો ટ્રાફીક અને માવન વસ્તીને ધ્યાનમાં રાખીને તેમજ અન્ય ગ્રામ પંચાયતોનો ભવિષ્યમાં રાજકોટ મહાનગરપાલીકામાં સમાવેશ થઈ જવાની શકયતા સહિતના પરિબળોના કારણે રીંગરોડ-3નુ કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે ન્યારાથી કાલાવડ સુધી પ્રથમ ફેઈઝની કામગીરીમાં જમીન સંપાદન પૂર્ણ થયા બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે.