રાફેલ મુદ્દે વિપક્ષોએ ‘સુપ્રીમ’ ફતેહ મેળવી નથી!

  • રાફેલ મુદ્દે વિપક્ષોએ ‘સુપ્રીમ’ ફતેહ મેળવી નથી!
    રાફેલ મુદ્દે વિપક્ષોએ ‘સુપ્રીમ’ ફતેહ મેળવી નથી!

લોકસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાના મતદાનના આગલા દાડે જ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના કારણે રાફેલ મુદ્દે ભાજપ પાછી થોડી ભીંસમાં આવી ગઈ છે. સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેંચે રાફેલ કેસમાં ફરી સુનાવણી કરવા સામે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે લીધેલા વાંધાની ભૂંગળી કરી નાખી છે. સાથે સાથે અરજદારોએ સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે કરેલી અરજીના સમર્થનમાં રજૂ કરાયેલા નવા દસ્તાવેજોને માન્ય ગણવાની અરજી પણ સ્વીકારી છે.
મોદી સરકારની આ અરજીના કારણે વિપક્ષોએ પાછો મોદી સરકારની મેથી મારવાનો કાર્યક્રમ પૂરજોશમાં ચાલુ કરી દીધેલો ત્યાં ફેબ્રુઆરી મહિનામાં ટોચના અંગ્રેજી અખબાર નધ હિંદુથમાં એક રિપોર્ટ છપાયેલો. નધ હિંદુથના રિપોર્ટ પ્રમાણે રાફેલ સોદામાં પ્રાઈમ મિનિસ્ટર્સ ઑફિસ (પીએમઓ) વારંવાર ડબડબ કર્યા કરતી હતી તે સામે મોદી સરકારના સંરક્ષણ મંત્રાલયે જ વાંધો લીધેલો ને એ વખતના સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરને કાગળ પણ લખેલો. આ અખબારે એ વખતના સંરક્ષણ મંત્રાલયના નાયબ સચિવ એસ. કે. શર્માએ મનોહર પર્રિકરને લખેલો કાગળ પણ છાપ્યો હતો. આ કાગળમાં એવો વાંધો ઉઠાવાયો છે કે, પ્રાઈમ મિનિસ્ટર્સ ઑફિસ (પીએમઓ) રાફેલ મુદ્દે ફ્રાન્સની સરકાર સાથે સમાંતર વાટાઘાટો ચલાવે છે તેના કારણે ભારતનો કેસ નબળો પડ્યો છે ને ભારત બરાબર ભાવતાલ કરી શકતું નથી.
આ કાગળમાં તો પ્રાઈમ મિનિસ્ટર્સ ઑફિસ (પીએમઓ)ને એવી સલાહ પણ અપાયેલી કે, સંરક્ષણ મંત્રાલયે રાફેલ મુદ્દે ફ્રાન્સ સાથે વાટાઘાટો કરવા માટે જે ટીમ બનાવી છે તેનાથી બહારના કોઈ પણ અધિકારીને ફ્રાન્સ સરકારના અધિકારીઓ સાથે વાટાઘાટો ના કરવા દેવાય. આ કાગળમાં એવું પણ લખાયું હતું કે, પ્રાઈમ મિનિસ્ટર્સ ઑફિસ (પીએમઓ)ને વિદેશ મંત્રાલય દ્વારા ચાલી રહેલી વાટાઘાટોના પરિણામમાં ભરોસો ના હોય તો પીએમઓ યોગ્ય સ્તરે ચર્ચાનો કાર્યક્રમ નક્કી કરે પણ આ રીતે પીએમઓના અધિકારીઓ કડછો મારે એ બરાબર નથી. 
સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદી સરકારના વાંધાનો ડૂચો કરી દીધો એ રીતે આ ચુકાદો સરકાર માટે ફટકો કહેવાય ખરો પણ બહુ મોટો ફટકો નથી. સુપ્રીમ કોર્ટે અખબારમાં છપાયેલા દસ્તાવેજોને પુરાવા તરીકે માન્ય રાખવાની વાત મંજૂર રાખી છે પણ તેને પુરાવા ગણ્યા નથી. હજુ તો સુપ્રીમ કોર્ટ આ પુરાવાની ચકાસણી કરશે ને તેમને લાગે કે આ પુરાવા બરાબર છે તો તેના આધારે મોદી સરકારને ક્લીનચિટ આપતા ચુકાદાની ફરી સમીક્ષા કરવાની અરજી અંગે નિર્ણય લેશે. અખબારમાં છપાયેલા પુરાવાની વિશ્ર્વસનીયતા સામે શંકા નથી કેમ કે એ શંકા હોત તો મોદી સરકારે પહેલાં જ એ મુદ્દો ઉઠાવ્યો હોત.