રાજકોટમાં નવા વર્ષના પેલા દિવસે બારીના કાચ તોડી તસ્કરો 1.16 લાખની મતા ઉસેડી ગયા

રાજકોટ તા.10
રાજકોટમાં દિવાળી પર્વની ઉમંગભેર લોકોએ ઉજવણી કરી હતી ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસે સામા કાંઠે બંધ મકાનની બારી તોડી તસ્કરો 1.16 લાખની મતા ઉસેડી ગયા હતા જયારે બેડી ગામે 10 દિવસ પૂર્વે થયેલી 2.25 લાખની ચોરી અંગે પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે
શહેરના સામા કાંઠે પેડક રોડ પર ન્યુ શકિત સોસાયટીમાં રહેતાં અને ઘર નજીક પાનની દૂકાન ચલાવતાં ચંદુભાઇ પ્રેમજીભાઇ સોજીત્રા નામના પટેલ ધંધાર્થીના ઘરની બારીનો કાચ તોડી બારી ખોલી અંદર પ્રવેશ કરી તસ્કરો કબાટમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી 1.16 લાખની મત્તા ચોરી જતાં બી-ડિવીઝનના પીએસઆઇ આર. એસ. સાકરીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પરિવારજનો તારીખ 8ના રોજ ડેરોઇ ગામે ગયા હતાં ત્યાં એક રાત રોકાયા હાં. ભાઇબીજના દિવસે પરત આવ્યા ત્યારે બારી તૂટેેલી જોવા મળી હતી. અને ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું જયારે બેડી ગામે રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં થડો રાખી વ્યવસાય કરતા વિજયભાઈ કરશનભાઇ ઝરમરિયા ગત તારીખ 30ના રોજ બપોરે પરિવાર સાથે વાંકાનેર ગામે ગયા હતા ત્યાંથી બીજા દિવસે સવારે આવ્યા ત્યારે ઘરના તાળા તૂટેલા જોવા મળતા ચોરી થયાનું જાણવા મળ્યું હતું તપાસ કરતા 1 લાખ રોકડ અને 1.25 લાખના દાગીના સહીત 2.25 લાખની ચોરી થઇ હોય તેવું જાણવા મળતા આ અંગે ફરિયાદ નોંધાવતા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી પી આહીર સહિતના સ્ટાફે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે