ગઢડાના કેરાળા ગામે જુથ અથડામણ : મકાન સળગાવાયું

ગઢડા (સ્વામીના) તા.10
ગઢડા (સ્વામીના) તાલુકાના 7 કિ.મી.ના અંતરે નાનકડા કેરાળા ગામ ખાતે ગત મોડી રાત્રે જુથ અથડામણ દરમિયાન એક મકાનને આગ ચાંપવાના બનાવથી ભારે ચકચાર ફેલાવા પામેલ છે.
આ અંગે પોલીસ વર્તુળમાંથી વધારે જાણવા મળતી વિગત અનુસાર મોટા ભાગે કોળી પટેલ અને ખેતમજુરોની વસ્તી ધરાવતા કેરાળા ગામ ખાતે ગત મોડી રાત્રે એક કાઠી દરબારના મકાનને લોકોએ ભેગા મળી હથીયારો લઇ ઘેરો ઘાલી મકાનને સળગાવી દેવાનો પ્રયત્ન કરતા ભારે સનસનાટી મચી જવા પામેલ છે. આ બાબતે ઇજા ગ્રસ્ત અને ભોગ બનનાર ફરીયાદી શિવકુભાઇ મુળુભાઇ ખાચર (ઉ.વ.50) રહે. કેરાળાની ફરીયાદમાં જણાવ્યા અનુસાર આ કામના આરોપીના કુટુંબી મેરાભાઇ સવશીભાઇ તાવીયા રહે.કેરાળાવાળાને ગઢડાના રાયપર ગામના કાઠી દરબારોએ અગાઉ માર મારેલ હોય તે બાબતે આ કામના ફરીયાદીએ ચડામણી કરી હોવાની શંકા અને રાખી બદલો લેવા માટે અગાઉથી કાવત્રુ રચી એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી તિક્ષ્ણ હથીયારો ધારણ કરી ફરીયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે તેમજ ફરીયાદીના પરીવારના સભ્યો ઘરમાં અલગ અલગ જગ્યાએ હતા તે દરમિયાન આગ લગાડી સર્વનાશ કરવાના ઇરાદે આ બના બનવા પામેલ છે. તેમજ આ દરમીયાન ફરીયાદી તથા સાહેદને પાઇપ પથ્થર વડે માર મારતા ઇજા થતાં સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી જતા ફાયર ફાઇટર બોલાવી આગને કાબુમાં લેવાનું અને ઘરમાં રહેલા પરીવારના મહિલા સહિતના સભ્યોને સુરક્ષિત સ્થળે મોકલી આ ગંભીર પરિસ્થિતિમાં વધારે કોઇ અણબનાવ બનતા અટકવા પામેલ હતો. આ ફરીયાદ દરમિયાન રપ મહિલા અને 16 પુરૂષ મળી કુલ 41 વ્યકિતઓ સામે આઇ.પી.સી.307 સહિતની કલમો લગાડી આરોપીઓને પકડી લેવા કાર્યવાહી હાથ ધરી વધારે શાંતિ જોખમાય નહી તે કેરાળા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવેલ છે.