બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે નૂતનવર્ષે 1500થી અધિક વાનગીઓના ભવ્ય અન્નકૂટ દર્શન

  • બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે નૂતનવર્ષે  1500થી અધિક વાનગીઓના ભવ્ય અન્નકૂટ દર્શન
    બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે નૂતનવર્ષે 1500થી અધિક વાનગીઓના ભવ્ય અન્નકૂટ દર્શન

રાજકોટ તા.10
ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો દીપોત્સવી તેમજ નૂતનવર્ષનો ઉત્સવ સમગ્ર રાજકોટ શહેરમાં ધામધૂમપૂર્વક ઉજવાયો ત્યારે દિપાવલી તેમજ નૂતનવર્ષ નિમિતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર પરિસરને સુંદર લાઈટીંગથી શણગારવામાં આવ્યું હતું અને પોડિયમ પર પ્રમુખસ્વામી મહારાજ 98મા જન્મજયંતી મહોત્સવના લોગોની કલાત્મક રંગોળી બનાવવામાં આવી હતી. દિવાળીના દિવસે 2000થી અધિક ઉદ્યોગ સાહસિકો તથા હરિભક્તોએ ચોપડાપૂજનનો લાભ પ્રાપ્ત કર્યો હતો.
વિક્રમ સંવત 2075 કારતક સુદ પડવાના દિવસે નૂતન વર્ષના પ્રથમ દિને પ્રાત: 6:00 થી 7:30 દરમ્યાન પ્રમુખસ્વામી સભાગૃહમાં મંગલ મહાપૂજાવિધિ સંપન્ન થઇ હતી. નૂતન વર્ષે ભગવાનના અન્નકૂટ ઉત્સવના દર્શનનો 20,000થી અધિક શહેરીજનોએ લાભ પ્રાપ્ત કરી જીવનમાં ધન્યતા અનુભવી હતી. રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે આ વર્ષે 500 જેટલી મીઠાઈ, 450 જેટલા વિવિધ ફરસાણ, 450 જેટલા શાક તથા ભીની વાનગીઓ, 100 જાતના આઈસ્ક્રીમ, જ્યુસીસ તથા કેક આમ કુલ 1500થી અધિક વિવિધ વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવ્યો હતો. આ અન્નકૂટ ઉત્સવની પ્રથમ આરતી કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળા, ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, રાજકોટ કલેકટર રાહુલ ગુપ્તા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, રાજકોટ નરેશ મયુરધ્વજસિંહ જાડેજા, રેલવે ડી.આર.એમ. નિનાવ , જો.પોલીસ કમિશ્નર સિદ્ધાર્થ ખત્રી , રાજકોટ મેયર શ્રીમતિ બીનાબેન આચાર્ય, રાણીબા કાદમ્બરી દેવી તથા રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને મહાનુભાવોની હાજરીમાં 11:30 વાગ્યે સંપન્ન થયેલી અને ત્યારબાદ દર કલાકે સાંજે 7:00 વાગ્યા સુધી આરતીનો લાભ પ્રાપ્ત થયો હતો. પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજની હાજરીમાં ગોંડલમાં ભવ્ય અન્નકૂટ ઉત્સવ ઉજવાયો અને પરમ પૂજય મહંતસ્વામી મહારાજે નૂતન વર્ષ સૌ કોઈ માટે યશસ્વી અને સુખદાયક નીવડે તેવા રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.
રાજકોટ મંદિર તથા રાજકોટમાં આવેલ ત્રણેય સંસ્કારધામમાં યોજાયેલ અન્નકૂટ ઉત્સવના આયોજનમાં રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના કોઠારી બ્રહ્મતીર્થ સ્વામી, ભંડારી અક્ષરયોગી સ્વામી, 22 સંતો તથા 2000 જેટલા કાર્યકર્તાઓએ છેલ્લા એક મહિનાથી જહેમત ઉઠાવી હતી.