રાજકોટમાં યુવતિને બ્લેકમેઈલ કરી જીમ સંચાલકે આચર્યું દુષ્કર્મ

રાજકોટ તા.10
શહેરમાં અગાઉ ઢેબર રોડ વન વેમાં એપી ફિટનેશ સેન્ટર નામે જીમ ચલાવતાં અને હાલમાં કરણપરામાં જીમ ચલાવતાં રણછોડનગરના દરજી શખ્સ અંકિત વિજયભાઇ પરમાર સામે અનુસુચિત જાતીની યુવતિએ બળાત્કાર, ધમકીની ફરિયાદ નોંધાવતાં ચકચાર જાગી છે. આ અંગે એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતાં એસસીએસટી સેલના એસીપી કે. આર. ડાભીએ વિશેષ તપાસ હાથ ધરી છે. પોલીસે જીમ સંચાલક અંકિત પરમાર સામે દુષ્કર્મ અને એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.
દુષ્કર્મ અને એટ્રોસિટીની નોંધાયેલી ફરિયાદમાં યુવતિએ જણાવ્યું હતું કે 2011માં ફેસબુક મારફત અંકિત પરમાર સાથે ઓળખાણ થઇ હતી. ફ્રેન્ડ બન્યા પછી વ્હોટ્સએપથી પણ ચેટીંગ થતું હતું. એ દરમિયાન તા. 19-11-17ના સાંજે અંકિતે ઢેબર રોડ વન-વેમાં પોતાના જીમમાં બોલાવી હતી. વિશ્વાસ કેળવી લગ્ન કરી લેવાની લાલચ આપી હતી અને બાદમાં જીમનું શટર બંધ કરી ગોંધી રાખી ઢીંકા પાટા મારી તેમજ નાક પર અને ઘુંટણ પર ઇજા કરી વોશરૃમમાં ઢસડી જઇ મરજી વિરૃધ્ધ બળાત્કાર ગુજારી જો કોઇને વાત કરી તો ફોટા અને વિડીયો વાયરલ કરી દઇશ તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ વ્હોટ્સએપ મારફત ગાળો આપી ધમકી આપી હતી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે મિત્રતા થઇ ત્યારે જ પોતે અનુસુચિત જ્ઞાતિની હોવાનું અંકિતને જણાવી દીધુ હતું. આમ છતાં તેણે પોતે લગ્ન કરી લેશે તેવું વચન આપી વિશ્વાસ સ્થાપિત કર્યા બાદ જીમ ખાતે મળવા બોલાવી બળજબરી આચરી લીધી હતી. એ-ડિવીઝન પી.આઇ. એન. કે. જાડેજા, રણજીતસિંહ ઝાલા, વિજયસિંહ જાડેજાએ ગુનો દાખલ કરતાં એસીપી એસસીએસટી સેલની રાહબરીમાં વિશેષ તપાસ થઇ રહી છે.