વેફર-દૂધ સહિતના ખાલી પાઉચ દુકાનદારે લેવા પડશે પરત

  • વેફર-દૂધ સહિતના ખાલી પાઉચ દુકાનદારે લેવા પડશે પરત
    વેફર-દૂધ સહિતના ખાલી પાઉચ દુકાનદારે લેવા પડશે પરત

રાજકોટ તા.11
રાજકોટ શહેરને પ્રતિબંધિત પ્લાસ્ટીકથી મુક્ત કરવા માટે મ્યુનિ. કમિશ્નરે અનેક નિયમો બનાવી પ્લાસ્ટીક ઝુંબેશ હાથ ધરી દંડનીય કામગીરી આરંભી છે. છતા વોંકળાઓ અને ડ્રેનેજમાં ફસાઇ જતા નમકીન, વેફર, દુધ, બેકરી પ્રોડકટના ખાલી પાઉચના કચરાના અટકાયતી પગલા માટે ખાલી પાઉચ પરત લેવાની જવાબદારી દુકાનદારો ઉપર નાખી ઉત્પાદકોને નોટીસ આપવામાં આવી છે.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ શહેરમાં સ્વચ્છતાલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે છતા શહેરમાં ઠેરઠેર ઉડતા વેફર, નમકીન તેમજ બેકરી, દુધ ઉત્પાદકોના ખાલી પાઉચ ઉડતા નજરે પડે છે. આ પાઉચ વોંકળાઓમાં તેમજ ડ્રેનેજમાં ફસાઇ જતા મોટી સમસ્યાઓ ઉભી થતી હોય છે. જેમાં ખાસ કરીને ચોમાસા દરમ્યાન પાઉચના કારણે લાઇનો ચોકઅપ થઇ જવાની ઘટનાના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જતા હોય છે અને મહિનાઓ બાદ ચોકઅપ થયેલ લાઇનો ખુલ્લી કરવામાં મનપાને પરસેવો વળી જતો હોય છે. આ તમામ સમસ્યાના ઉકેલ માટે મ્યુનિ. કમિશ્નરે વેફર, નમકીન, બીસ્કીટ, બેકરી પ્રોડકટ તેમજ દુધ ઉત્પાદકોને નોટીસ ફટકારી ખાલી પાઉચની જવાબદારી તેમના શીરે નાખવામાં આવી છે.
કમિશ્નરે જણાવેલ કે દરેક દુકાનદારે વેફર, નમકીન સહિતના પ્રોડકટનું વેચાણ કર્યા બાદ ખાલી પાઉચ પરત લેવું ફરજીયાત છે. તેવી જ રીતે દરેક કંપનીઓએ પોતાની પ્રોડકટની પ્રાઇઝની સાથોસાથ વધુ 25 અથવા 50 પૈસા લઇને દુકાનદારોને વેચાણ કરવા માટે પ્રોડકટ આપવાની રહેશે અથવા પોતાના ખર્ચે વ્યાજબી કિંમતે માલ આપવાનો રહેશે. જેના કારણે દુકાનદાર દ્વારા પ્રોડકટનું વેચાણ થયા બાદ ગ્રાહક ખાલી પાઉચ લઇને આવે ત્યારે દુકાનદારે નિયમ મુજબ વળતર ચુકવવાનું રહેશે. જેના કારણે કોઇપણ ગ્રાહક વેફર અથવા અન્ય પ્રોડકટની ખરીદી કરે ત્યારે પાઉચ જ્યાં-ત્યાં ફેકવાના બદલે એકઠા કરશે અથવા દુકાનદાર પાસે જઇ વળતર મેળવવાની લાલચ રોકી શકશે નહીં. આથી શહેરભરમાં થતી ખાલી પાઉચની સમસ્યામાંથી એક ઝાટકે છુટકારો મળશે.