કેલિફોર્નિયાના જંગલોમાં લાગ્યો દવ, 9 લોકોના મોત નિપજયા

  • કેલિફોર્નિયાના જંગલોમાં લાગ્યો દવ, 9 લોકોના મોત નિપજયા
    કેલિફોર્નિયાના જંગલોમાં લાગ્યો દવ, 9 લોકોના મોત નિપજયા

કેલિફોર્નિયા તા.10
અહીં જંગલમાં લાગેલી આગના કારણે 9 લોકોના મોત થયા છે. રાજ્યના પાટનગર સેક્રેમેંટોની બૂટ કાઉન્ટીથી 26 હજાર લોકો અને સિયર નેવાદા પહાડની તળેટીમાં 52 હજાર લોકોને સુરક્ષીત જગ્યાએ સ્થળાંતર કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગુરુવારથી શરૂ થયેલી આ આગને કેમ્પ ફાયર તરીકે ઓળખવામાં આવે છે. કેલિફોર્નિયા ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે ઝડપથી ફૂંકાતા પવનના કારણે 70 હજાર એકરમાં આ આગ ફેલાઈ ગઈ છે.
કેલિફોર્નિયાની ઈમરજન્સી સર્વિસના નિર્દેશક માર્ક ગિલારડુચીના જણાવ્યા પ્રમાણે, આગ લાગવાના કારણે થયેલા નુકસાનનો અંદાજ મેળવવો મુશ્કેલ છે. જે પણ આ આગથી પ્રભાવિત થયું છે તેની સાથે અમારી સંવેદનાઓ છે. બૂટ કાઉન્ટીના શેરિફ કોરે હોનિયાએ 9 લોકોના મોત થયા હોવાનો ખુલાસો કર્યો છે.
ઘણાં લોકો ગુમ થયા હોવાની માહિતી મળી છે. ઓફિસર્સનું કહેવું છે કે, જંગલની આગથી ઘણાં ઘર, કાર અને રેસ્ટોરાં બળીને ખાખ થઈ ગયા છે. સોશિયલ મીડિયા ઉપર વીડિયો પોસ્ટ કરવામાં આવી રહ્યાં છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, લોકો કેવી રીતે ઘુમાડાવાળી ટનલમાંથી ભાગી રહ્યા છે.
કેલિફોર્નિયાના મલીબૂ રિસોર્ટ સુધી આગ ફેલાઈ ગઈ છે. લોકેશનના કારણે આ રિસોર્ટ હોલિવૂડ સ્ટાર્સમાં ખૂબ ફેમસ છે. અહીં લિયોનાર્ડો ડિકૈપ્રિયો, જૈક નિકલસન, જેનિફર એનિસ્ટન, હેલી બેરી અને બ્રેડ પિટ જેવા મોટા સ્ટાર્સના ઘર પણ આવેલા છે. રિયાલિટી ટીવી સ્ટાર કિમ કર્દાશિયા કોસ્ટલ મલીબૂમાં રહે છે. કિમે જણાવ્યું કે, તેમને પણ ઘર છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.