બજરંગ ‘બલી’

નવી દિલ્હી, તા.10
સ્ટાર ભારતીય રેસલર બજરંગ પૂનિયાએ શનિવારે 65 કિલો વર્ગમાં સર્વોચ્ચ વિશ્વ રેન્કિંગ હાસિલ કરી છે. આ સત્રમાં પાંચ મેડલ જીતનાર 24 વર્ષીય બજરંગUWWની યાદીમાં 96 પોઈન્ટની સાથે રેન્કિંગમાં ટોપ પર છે. આ વર્ષે તેણે કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા સિવાય વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.
બજરંગ માટે આ સત્ર શાનદાર રહ્યું અને બુડાપેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વરીયતા પ્રાપ્ત કરનાર એકમાત્ર ભારતીય કુસ્તીબાજ રહ્યો હતો. બજરંગે બીજા સ્થાન પર રહેલા ક્યૂબાના એલેજાંદ્રો એનરિક વ્લાડેસ ટોબિયર પર મજબૂત લીડ બનાવી રાખી છે, જેના 66 પોઈન્ટ છે. બજરંગે વિશ્વ ચેમ્પિયનશિપની સેમીફાઇનલમાં ટોબિયરને હરાવ્યો હતો.
રૂસના અખમદ ચાકેઇવ (62) ત્રીજા જ્યારે વિશ્વ ચેમ્પિયન તાકુતો ઓટોગુરો (56) ચોથા સ્થાન પર છે. ત્યારબાદ તુર્કીના સેલાહતિન કિલિસાલ્યાન (50)નો નંબર આવે છે. બજરંગ દેશનો એકમાત્ર પુરૂષ કુસ્તીબાજ છે, જેને રેન્કિંગમાં ટોપ-10માં સ્થાન મળ્યું છે, જ્યારે ભારતની 5 મહિલા રેસલર પોતાના વર્ગમાં ટોપ-10માં સ્થાન બનાવવામાં સફળ રહી છે.
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી માત્ર ચોથી ભારતીય મહિલા રેસલર બનેલી પૂજા ઢાંડા મહિલાઓની 57 કિલોગ્રામ વર્ગમાં 52 પોઈન્ટની સાથે છઠ્ઠા સ્થાન પર છે. તેણે વિશ્વ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રિતુ ફોગાટ મહિલાઓના 50 કિલો વર્ગમાં 33 પોઈન્ટની સાથે 10માં સ્થાન પર છે. સરિતા મોર 59 કિલો વર્ગમાં 29 પોઈન્ટની સાથે સાતમાં જ્યારે નવજોત કૌર (32) અને કિરણ (37) ક્રમશ: 68 અને 76 કિલો વર્ગમાં નવમાં સ્થાન પર છે.