જન્મ-મરણ નોંધણી સર્ટી એક કલીક કરવાથી નીકળશે

  • જન્મ-મરણ નોંધણી સર્ટી એક કલીક કરવાથી નીકળશે

રાજકોટ તા.11
રાજકોટ મહાનગરપાલીકાની ત્રણેય ઝોનલ ઓફીસ ખાતે જન્મ-મરણના સર્ટીફીકેટ કાઢી આપવામાં આવે છે. હાલ ફાયર વિભાગની અને હોસ્પીટલની પાવતી મુક્તિધામમાં બતાવ્યા બાદ ત્યાંથી રસીદ આપવામાં આવે છે. જેના ઉપરથી મરણનું સર્ટીફીકેટ આપવામાં આવતું હોય છે અને તેના માટે અરજદારોએ ઝોનલ ઓફીસે લાઇનમાં ઉભુ રહેવું પડતું હોય છે. આ સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટેની વિચારણા હાથ ધરાય છે. જે મુજબ હવેથી વોર્ડ ઓફીસ અને સિવિક સેન્ટર ખાતેથી મરણનું સર્ટીફીકેટ મળી શકશે.
મ્યુનિ. કમિશ્નરના જણાવ્યા મુજબ કોઇપણ વ્યકિતનું મરણ થયે મુક્તિધામમાંથી નોંધ કર્યા બાદ એક ટોકન નંબર આપવામાં આવશે. ત્યારબાદ સમયમર્યાદામાં અરજદાર આ ટોકન નંબર દ્વારા ડેથ સર્ટીફીકેટ મેળવી શકશે. જેના માટે વોર્ડઓફીસ તેમજ સીવીક સેન્ટર ખાતે કીયોસ સ્ક્રીન બોર્ડ મુકવામાં આવશે. જ્યાં અરજદારે પ્રથમ ફી ભરી ટોકન લેવાનું રહેશે. ત્યારબાદ ટોકન નંબર અને મુક્તિધામમાંથી આપવામાં આવેલ રજીસ્ટ્રેશન નંબર એન્ટર કર્યા બાદ તુરંત ડેથ સર્ટીફીકેટની પ્રીન્ટ પ્રાપ્ત થઇ જશે.