પોરબંદર પંથકમાં તહેવારમાં કાળચક્ર ફર્યું: ચારના મોત

પોરબંદર તા.11
પોરબંદર જિલ્લામાં દિવાળી-નૂતનવર્ષના સપરમા તહેવારે કાળચક્ર ફરી વળતા ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા છે.
વાહન અકસ્માતના બે બનાવ
પોરબંદર-રાણાવાવ હાઈવે પર પીપળીયાના પાટીયા પાસે વાહન અકસ્માતનો બનાવ નોંધાયો છે. જેમાં પીપળીયાના લીલાભાઈ કેશવભાઈ ચાવડા (ઉ. વર્ષ 56) પોતાનું એક્ટીવા લઈને નીકળ્યા ત્યારે પોરબંદરના મહંમદઅફી ગુલામઅફી બેરાએ બેફીકરાઈથી કાર ચલાવીને લીલાભાઈના એક્ટીવાને પાછળથી ઠોકર મારી, હડફેટે લઈ લીધા હતા. તેથી અકસ્માતના આ બનાવમાં લીલાભાઈનું મોત થતા તેના ભાઈ લખમણે કારચાલક મહંમદ સામે ગુન્હો નોંધાવ્યો છે. તે ઉપરાંત કુતિયાણા નજીકના રોઘડા ગામના પાટીયા પાસે વાહન અકસ્માતનો બનાવ નોંધાયો છે જેમાં રોઘડા ગામે શાળા પાસે રહેતા કાનાભાઈ હમીરભાઈ હાડગરડા (ઉ. વર્ષ 55) રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે મુળ ઉપલેટા તથા હાલ અમદાવાદ વસ્ત્રાપુરમાં રહેતા કૃશાંગ મનસુખ મોરાસીયાએ પૂરઝડપે કાર ચલાવીને કાનાભાઈને હડફેટે લઈ ગંભીર ઈજા કરી મોત નિપજાવ્યું હતું.
આત્મહત્યાના બે બનાવ
શીશલી ગામના નવઘણભાઈ નાથાભાઈ મોઢવાડીયા (ઉ. વર્ષ 62) એ કોઈ અગમ્ય કારણોસર અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા સારવાર માટે પોરબંદર ખસેડાયા હતા, પરંતુ ત્યાં તેમનું મોત નિપજ્યું હતું. તે ઉપરાંત કોડીનારના નાના વાડા ગામનો હિતેશ ઉકાભાઈ સોસા (ઉ. વર્ષ 27) પોરબંદરની ‘રત્નાકર દર્શન’ નામની ફિશીંગ બોટમાં માછીમારી માટે આવ્યો હતો અને આ બોટ બંદરમાં પોર્ટ યાર્ડ ખાતે હતી ત્યારે હિતેશે કોઈ અગમ્યકારણોસર બોટમાં જ ગળાફાંસો ખાઈને જીંદગી ટુંકાવી દીધી હતી.
10 ઝડપાયા
પોરબંદર જિલ્લામાં દિવાળી-નૂતનવર્ષનો જુગાર રમતા 10 ઝડપાયા છે, જેમાં અમરદડમાં ત્રણ પીધેલા હોવાથી તેમની સામે બે ગુન્હા નોંધાયા છે.
અમરદડમાં દરોડો
રાણાવાવના અમરદડ ગામે સીંગલ પ્લોટમાં જાહેરમાં જુગાર રમી રહેલા અશોક નાગા વિકમા, અશોક ઉગા ડોડીયા, સાગર ગોવિંદ મંગેરા, જનક નરસી ડોડીયાને 5120 ના મુદ્દામાલ સાથે પકડી લેવાયા હતા. જે પૈકી સાગર અને બન્ને અશોક પીધેલા હોવાથી તેમની સામે બે ગુન્હા નોંધવામાં આવ્યા છે.
કંટોલ ગામે દરોડો
પોરબંદરના કંટોલ ગામે વણકરવાસમાં જાહેરમાં જુગાર રમી રહેલા અબામીંયા હામનમીંયા બુખારી, સંજય રામભાઈ જાદવ, નરેન્દ્ર ઉર્ફે ગગજી રામજી રાઠોડ, રસિક પબા રાઠોડ, લાખા રાણા જાદવ અને વેકરી ગામના ગોકળ સવદાસ ખોડભાયાને પકડી પાડ્યા હતા. પટમાંથી કુલ રૂપીયા 5500 ની રોકડ, 6 મોબાઈલ અને 1 બાઇક સહિત 28,500 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
હડધૂત કર્યાની રાવ
પોરબંદરમાં ટ્રક વેચાણના પૈસા નહીં આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ઓડદર ગામે વણકરવાસમાં રહેતા નિલેષ ઘેલાભાઈ સાદીયા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે પોરબંદરના બંગડી બજારમાં હતો ત્યારે બખરલા-પાંડાવદર રોડ પર વાડી વિસ્તારમાં રહેતા ભરત દેવા કુછડીયાએ ગાળો દઈ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો. કારણ એવું જણાવાયું હતું કે નિલેષ તથા અન્ય વ્યક્તિના ટ્રક ભરત કુછડીયાએ વેચાણે રાખી તેના આપવાના રૂપીયા નહીં આપતો હોવાથી નિલેષ અને તેનો સાથીદાર બંગડીબજારમાં રૂપીયા લેવા ગયા ત્યારે બન્નેને ભરતે ગાળો દઈ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા.
દારૂના ધંધાર્થી સામે કાર્યવાહી
પોરબંદરમાં દિવાળી-બેસતા વર્ષના તહેવાર દરમિયાન ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા અને દારૂના ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
વાહનચાલકોની ધરપકડ
યુ.પી. ના આઝમગઢમાં રહેતા રીષી કપુર સુરેશ યાદવે ભયજનક રીતે પોતાનો ટ્રક મીંયાણી-દ્વારકા હાઈવે પર પાર્ક કરતા તેની ધરપકડ થઈ હતી. છાંયાની પરિશ્રમ સોસાયટીમાં રહેતા કેવલ પ્રકાશભાઈ શિયાલને 30 હજારની બાઈક સાથે નશાની હાલતમાં પકડી લેવાયો હતો. તે ઉપરાંત કડેગી ગામે પ્રાથમિક શાળા પાસે રહેતો નાથા દેવદાસ કડેગીયા પણ પીધેલી હાલતમાં બાઈક લઈ અમીપુર જતા રસ્તેથી નીકળ્યો ત્યારે તેને પકડી લીધો હતો. ખારવાવાડ મીઠી મસ્જીદ પાસે રહેતો જીજ્ઞેશ મનસુખ મઢવી ચોપાટી મેદાનમાંથી પીધેલી હાલતમાં બાઈક લઈને નીકળ્યો ત્યારે પકડી લેવાયો હતો.
દારૂના ધંધાર્થી સામે પગલા
રાણાવડવાળાનો ભરત દેવશી ચાંડપા હાજર મળી આવ્યો ન હતો પરંતુ પોલીસે 450 રૂપીયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને તેની થોડા કલાકો પછી પીધેલી હાલતમાં ધરપકડ કરીને પોલીસે કુલ બે ગુન્હા નોંધ્યા હતા. તે ઉપરાંત ચીંગરીયા ગામે દરિયાકાંઠે બાવળની કાંટમાં દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડી ચીંગરીયાના જેન્તી નાથાભાઈ સોલંકી અને માંગરોળના સાંડા ગામના અમુ પીઠાભાઈ રાઠોડને પકડી 160 લીટર આથો, કેરબા, બેરલ, ગેસનો બાટલો, સ્ટવ, તગારૂ તથા બે લાખની ઈન્ડીગો કાર મળી કુલ રૂપીયા 2,03,245 નો મુદ્દામાલ કબ્જે કરીને કાર્યવાહી કરી છે. બોખીરા-તુંબડામાં ચમની ફેક્ટરી પાસે રહેતા ચમન ઉર્ફે ચમનો સવા પરમારને દારૂ સાથે પકડી લેવાયો હતો. રાણાવાવ નજીક અજમાપાટ નેશમાં રહેતો બાલુ દેવરાજ મોરી બાઈકમાં દારૂની કોથળીઓ લઈ કુણવદરથી મોરાણા જતા રસ્તે બજરંગ બસ સ્ટેશન પાસેથી નીકળ્યો ત્યારે પોલીસે તેને પકડીને 10,400 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.