રાજકોટમાં ખેડૂત રેલી અટકાવતા ધમાલ

  • રાજકોટમાં ખેડૂત રેલી અટકાવતા ધમાલ

36 ખેડૂતની ઇચ્છામૃત્યુની માંગ
રાજકોટ તા.11
પાક વીમા પ્રશ્ર્ને રાજકોટમાં આજે યોજાનાર ખેડૂત રેલીને પોલીસે અટકાવતા ભારે ધમાલ મચી છે. ખેડૂત રેલીમાં આવતા તાલુકા મથકના હોદ્દેદારોના વાહનોને અધ્ધવચ્ચેથી અટકાવવામાં આવ્યા છે. એટલું જ નહીં મોડીરાત્રે આગેવાનોના ઘરે જઇને પોલીસે ધાકધમકી આપતા ખળભળાટ મચી ગયો છે. આમ છતા પણ આજે સવારે રાજકોટમાં પાક વીમાના પ્રશ્ર્ને મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડયા હતા. મંજુરી વગર રેલી કાઢવામાં આવતા કિસાન સંઘના નેતા અને પોલીસ સાથે ઘર્ષણ થયું છે. ખેડૂત રેલીમાં કાંકરીચાળો ન થાય તે માટે બહુમાળી ભવન ખાતે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને વાતાવરણ તંગ બની જવા પામ્યું છે.
રાજકોટ કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાના જણાવ્યા મુજબ આજે સવારે 11 કલાકે રાજકોટના રેસકોર્ષ મેદાનથી કલેકટર કચેરી સુધી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત આજ સવારથી રાજકોટ જીલ્લાના 11 તાલુકાના ખેડૂતો રેલીમાં ઉમટી પડયા છે ત્યારે રેલીને મંજુરી ન અપાતા પોલીસે રેલી પૂર્વે બળપ્રયોગ શરૂ કર્યો છે.