પ્રેમલગ્ન મુદ્દે બે પરિવારમાં મારામારી, યુવતિના પિતાની હત્યા

ભાવનગર તા.10
બોટાદના લાઠીદડ ગામે ચાર વર્ષ પહેલા પુત્રીને ભગાડી જઇ પ્રેમલગ્ન કરનાર યુવક તથા તેના પરિવારજનો સાથે પુત્રીના પરિવારજનો વચ્ચે મારામારી થતા પુત્રીના પિતાનું મોત નિપજતાં બનાવ હત્યામાં પરીણ્યો છે. ખુનના આ બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ બાટોદ જીલ્લાના લાઠીદડ ગામે રહેતા મશરુભાઇ ગોવિંદભાઇ ચૌહાણ (ઉ.વ.50) નામના આધેડની પુત્રી કંચનબેનને આજ ગામનો લાલજીભાઇ ધીરુભા જાદવ ભગાડી ગયો હતો. અને પ્રેમલગ્ન કરેલા આ બાબતે બન્ને પરિવાર વચ્ચે મનદુ:ખ હતું જેની અદાવત રાખી બન્ને પક્ષો વચ્ચે મારામારી થતા જેમાં કંચનબેનના પિતા મશરુભાઇ ગોવિંદભાઇ ચૌહાણનું મોત નિપજતાં બનાવ હત્યામાં પરીણ્યો છે.
આ બનાવ અંગે ઘનશ્યામભાઇ વનમાળીભાઇ ચૌહાણએ બોટાદ પોલીસ સ્ટેશનમાં લાલજીભાઇ ધીરુભાઇ જાદવ, ભરતભાઇ ધીરુભાઇ જાદવ, મહેશભાઇ ધીરુભાઇ જાદવ, ધીરુભાઇ હરજીભાઇ જાદવ, કંપનબેન લાલજીભા વિરુઘ્ધ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી મશરુભાઇ ચૌહાણનું મોત નિપજાવી સાહેદ વનમાળીભાઇ ગોવિંદભાઇ ચૌહાણને પણ ઇજા પહોચાડયા અંગેની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
જયારે સામાપક્ષે ધીરુભાઇ હરજીભાઇ જાદવે બોટાદ પોલીસ સ્ટેશનમાં મશરુભાઇ ગોવિંદભાઇ ચૌહાણ, ઘનશ્યામભાઇ વનમાળીભાઇ ચૌહાણ, કિરણભાઇ વિરજીભાઇ ચૌહાણ, નીહાલભાઇ ખીમજીભાઇ ચૌહાણ અને વનમાળીભાવ ગોવિંદભાઇ ચૌહાણ, વિપુલભાઇ જશભાઇ સરવા વિરુઘ્ધ તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ઇજા પહોચાડયાની ફરીયાદ નોંધાવી છે.
બોટાદ પોલીસે બન્ને પક્ષોની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે. વધુ તપાસ પી.આઇ. એન.કે.વ્યાસ ચલાવી રહ્યા છે.