વેપારીઓનો ‘ભાવ’ સરકારે નહી પૂછતા યાર્ડની હડતાલનો સંકેલો

  • વેપારીઓનો ‘ભાવ’ સરકારે નહી પૂછતા યાર્ડની હડતાલનો સંકેલો
    વેપારીઓનો ‘ભાવ’ સરકારે નહી પૂછતા યાર્ડની હડતાલનો સંકેલો

રાજકોટ તા.10
ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ સાથે બેમુદતી હડતાલ ઉપર ઉતરેલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનાં યાર્ડના વેપારીઓનો સરકારે ‘ભાવ’ નહી પૂછતા પડેલા અંદરો અંદર તડા બાદ વેપારીઓએ હડતાલનો સંકેલો કરી લીધો છે. અને આગામી સોમવારને લાભપાચમથી યાર્ડનું કામકાજ શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર માર્કેટીંગ યાર્ડ વેપારી એસોસીએશન દ્વારા દિવાળીના તહેવાર પહેલા યાર્ડમાં કેન્દ્ર સરકારની ભાવાંતર યોજના લાગુ કરવાની માંગણી સાથે બેમુદતી હડતાલ ઉપર વેપારીઓ ઉતરી ગયા હતા.
દિવાળીના તહેવાર પૂર્વે જ યાર્ડમા હડતાલ પડતા ખેડુતોની દિવાળી બગડી ગઈ હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનાં યાર્ડમાં વિવિધ જણસીઓ ઠલવવામાં આવી હતી પરંતુ વેપારી (દલાલ)ઓએ હડતાલ પાડી દેતા ખેડુતોનો માલ વેચાયા વગરનો જ પડયો રહ્યો હતો.
દરમિયાન વેપારી એસોસીએશનના પ્રમુખ અતુલ કામાણીએ જણાવ્યું હતુ કે જયાં સુધી યાર્ડમાં ભાવાંતર યોજના લાગુ કરવામાં નહી આવે ત્યાં સુધી એક પણ યાર્ડમાં હરરાજી કરવામાં આવશે નહી આ દરમિયાન દિવાળીના તહેવાર આવી જતા યાર્ડમાં પાંચથી સાત દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું હતુ.
દિવાળી વેકેશન ખૂલે તે પહેલા જ દલાલ મંડળીમાં જાણે તડા પડયા હોય તેમ ગોંડલ, સુરેન્દ્રનગર સહિતના યાર્ડના વેપારીઓ હડતાલમાં ન જોડાયા હોવાનું અને તેઓ હરરાજી કરશે તેવી જાહેરાત કરતા એસોસીએશને અંતે નમતું જોખયું હતુ અને લાભ પાંચમથી યાર્ડમાં કામકાજ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
વેપારી એસોસીએશનના પ્રમુખ અતુલ કામાણીએ જણાવ્યું હતુ કે ભાવાંતર યોજના મુદે વેપારીઓએ પૂરવઠામંત્રી જયેશભાઈ રાદડીયા સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં મંત્રી રાદડીયાએ જણાવ્યું હતુ કે આ મામલે સરકારને રજૂઆત કરવામાં આવશે અને આઠ દિવસમાં જ સરકાર સાથે વેપારીઓની બેઠક કરવાની ખાતરી આપતા હડતાલ સમેટી લેવામા આવી છે.
રાજકોટ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યું હતુ કે વેપારી એસોસીએશનના પ્રમુખ સહિતના હોદેદારો તહેવારના કારણે બહારગામ ગયા છે. તેઓનો ફોન આવ્યો હતો અને સોમવારથી યાર્ડ શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમને કોઈ ખાતરી આપવામાં આવી નથી.