પોરબંદર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને સામાજીક અગ્રણી ધીરૂભાઈનું અવસાન

પોરબંદર તા.10
પોરબંદરના સામાજીક અગ્રણી-કોંગી આગેવાનનું નિધન થતાં શોક જોવા મળ્યો હતો.
પોરબંદર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને પોરબંદરની જાણીતી સામાજીક સંસ્થા થનગનાટ ગૃપ ઓફ પોરબંદરના પ્રમુખ તેમજ અનેકવિધ સામાજિક સંસ્થાઓ સાથે છેલ્લા બે દાયકાથી જોડાયેલા વરિષ્ઠ અગ્રણી ધીરૂભાઈ અરજનભાઈ ઓડેદરાનું દુ:ખદ નિધન થતા પોરબંદર કોંગ્રેસ પરિવારને તેમજ પોરબંદરના જાહેરજીવનને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે તેમ શ્રદ્ધાંજલિ પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું.
અર્જુનભાઈ મોઢવાડીયાએ સદગત ધીરૂભાઈને શ્રદ્ધાંજલિ પાઠવતા વધુમાં જણાવ્યું હતું કે પોરબંદરમાં સર્વે સમાજના ખેલૈયાઓ માટે બે દાયકાથી નવરાત્રી પર્વ પર અર્વાચીન ગરબાઓનું આયોજન થનગનાટ ગૃપ ઓફ પોરબંદરના માધ્યમથી સફળ આયોજન કરવાનું શ્રેય પણ ધીરૂભાઈને જાય છે. જીવન પર્યન્ત નવોદિત કલાકારોને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરૂં પાડીને પ્લેટફોર્મ પૂરૂં પાડતા રહ્યા. રક્તદાન, સર્વરોગ નિદાન કેમ્પ તથા રમતગમતની અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને સામાજીક ક્ષેત્રે સક્રિય ભૂમિકા ધીરૂભાઈએ અદા કરી હતી.
ધીરૂભાઈ ઓડેદરાએ કોંગ્રેસ પક્ષમાં આપેલા અનન્ય યોગદાનને યાદ કરતા અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી કાળથી કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ. માં સક્રિય કાર્યકર તરીકે જોડાઈને પોરબંદર જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખપદે વર્ષો સુધી સફળ જવાબદારી અદા કરી હતી. કોંગ્રેસ પક્ષના દરેક કાર્યક્રમોના કાયમી સફળ આયોજનની જવાબદારી હંમેશા ધીરૂભાઈના શીરે રહેતી હતી. ધીરૂભાઈ એક ઉમદા ક્રિકેટર તથા સંગીતના ખુબ સારા જાણકાર, સામાજીક કાર્યક્રમોના સફળ આયોજનકાર અને રાજકીય ક્ષેત્રે સફળ નેતૃત્વ પ્રદાન કરનાર તરીકે ધીરૂભાઈ ઓડેદરા કાયમ પોરબંદરના જાહેર જીવનમાં યાદ રહેશે તેમ અર્જુનભાઈ મોઢવાડીયાએ શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું. .