મોદી અને રાહુલ ગાંધી ફરી ગુજરાત ધમરોળશે

  • મોદી અને રાહુલ ગાંધી ફરી ગુજરાત ધમરોળશે

વડાપ્રધાન મોદી 17મીએ સુરેન્દ્રનગર આણંદ તેમજ 20મીએ પાટણમાં સભા ગજાવશે
 રાહુલ ગાંધીની 15મીએ રાજુલા ઉપરાંત 19મીએ બારડોલી, દાહોદ અને સિધ્ધપુરમાં જાહેર સભા
ગાંધીનગર તા.11
લોકસભા ચૂંટણી માટે હવે ભાજપે ઝંઝાવાતી પ્રકારની શરૂઆત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે 4 બેઠક માટે પ્રચાર કર્યા બાદ આગામી દિવસોમાં હજુ તેઓ બે વખત ગુજરાત આવશે અને વધુ 8 બેઠક માટે પ્રચાર કરશે. મોદી 17મીએ સુરેન્દ્રનગર અને આણંદ ખાતે જાહેર સભાન સંબોધશે. 20મીએ તેઓ પાટણ ખાતે ઉત્તર ગુજરાતની ચાર બેઠકો માટે જાહેર સભા યોજશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુરુવારે રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા છે અને પ્રદેશ નેતાઓ સાથે બેઠકોનો દોર ચલાવી તમામ 26 બેઠકોની સ્થિતિની સમીક્ષા કરશે. તેઓ પોતાની ગાંધીનગર લોકસભા બેઠકમાં પ્રચાર માટે ફરી 14મી એપ્રિલે આવશે. આ દિવસે તેઓ ગાંધીનગરથી કલોલ સુધી રોડ શો કરશે અને જાહેર સભાન પણ સંબોધશે. બીજીતરફ ભાજપના કેન્દ્રીય નેતાઓ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરશે. 12થી 18 એપ્રિલ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરી, સ્મૃતિ ઇરાની, વી.કે.સિંહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથ વિવિધ વિસ્તારમાં પ્રચાર કરશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી લોકસભાના ચૂંટણી પ્રચાર માટે 18મી એપ્રિલે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અંબાજી મંદિરે દર્શન કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. પ્રિયંકા ગાંધી જનસભા સંબોધશે કે પછી રોડ શો કરશે તે હજુ નક્કી થયું નથી. જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ 15મી એપ્રિલે રાજુલામાં તો 19મી એપ્રિલે પણ બારડોલી, દાહોદ અને સિધ્ધપુરમાં જાહેરસભા ગજવશે. કોંગ્રેસના સૂત્રો કહે છે કે, અમદાવાદની મુલાકાત બાદ પ્રિયંકા ગાંધી હવે ઉત્તર ગુજરાતમાં પ્રચાર કરશે. 18મીએ અંબાજી મંદિરે દર્શન કરી પ્રિયંકા કોંગ્રેસ માટે પ્રચાર કરશે. પ્રિયંકાનો ડિટેઈલ કાર્યક્રમ હજુ ફાઈનલ થયો નથી. મહત્ત્વનું છે કે, પ્રિયંકાના દાદી ઈન્દિરા ગાંધી પણ અંબાજી મંદિરે આવ્યાં હતાં. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો વધુ એક નવો ગુજરાત કાર્યક્રમ નક્કી થયો છે, જેમાં તેઓ 19મી એપ્રિલે બારડોલી, દાહોદ અને સિદ્ધપુરમાં જાહેરસભાઓ ગજવશે. રાહુલ ગાંધી એક જ દિવસમાં ત્રણ જાહેર સભાઓ ગજવશે. ત્રણેય સભા માટે ચોક્કસ 
સ્થળ માટે કોંગ્રેસે કામ શરૃ કરી દીધું છે. જ્યારે 15મી એપ્રિલે રાજુલા નજીક જાહેરસભા પણ યોજાવાની છે. આ સભા અમરેલી, ભાવનગર અને જૂનાગઢ એમ ત્રણ બેઠકો ઉપર અસર કરે તેમ છે. રાહુલ ગાંધી ગુજરાતમાં કુલ ચાર જાહેરસભાઓ ગજવશે. પ્રદેશ કોંગ્રેસે હાઈકમાન્ડને આમંત્રણ મોકલાવ્યું ત્યારે વધુમાં વધુ પાંચ જાહેરસભાઓ યોજાય તે માટે અનુરોધ કર્યો હતો. આખરે રાહુલ લોકસભાના ચૂંટણી પ્રચાર માટે કુલ ચાર સભા ગજવશે.
કોંગ્રેસના અન્ય સ્ટાર પ્રચારકોમાં ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર, નગ્મા, ફિલ્મ અભિનેતા અને ભાજપ છોડી કોંગ્રેસમાં આવેલા શત્રુધ્નસિંહા, ક્રિકેટર નવજોતસિંઘ સિદ્ધુ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત અન્ય બે રાજ્યોના મુખ્યમંત્રી પણ ગુજરાતના સ્ટાર પ્રચારક હોવાથી સભાઓ ગજવે તેવી શક્યતા છે. કોંગ્રેસના ઉમેદવારોની ડિમાન્ડ મુજબ હાલ સ્ટાર પ્રચારકો માટેનું શિડયૂલ તૈયાર થઈ રહ્યું છે.