સુત્રાપાડામાં નવ નિર્મિત માર્કેટીંગ યાર્ડનું આજે લોકાર્પણ કરશે મુખ્યમંત્રી

  • સુત્રાપાડામાં નવ નિર્મિત માર્કેટીંગ યાર્ડનું આજે લોકાર્પણ કરશે મુખ્યમંત્રી
    સુત્રાપાડામાં નવ નિર્મિત માર્કેટીંગ યાર્ડનું આજે લોકાર્પણ કરશે મુખ્યમંત્રી

વેરાવળ/સુત્રાપાડા તા.10
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા.11 નવેમ્બર નાં રોજ દસ કલાકે રૂા.15 કરોડનાં ખર્ચે સાકાર થયેલ સુત્રાપાડા માર્કેટીંગ યાર્ડનું લોકાર્પણ કરશે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે ટચ પ્રાસલી ગામ પાસે 4 હેકટર જેટલા વિસ્તારમાં અધતન માર્કેટીંગ યાર્ડનું બાંધકામ પૂર્ણ કરાયું છે.
આ માર્કેટીંગ યાર્ડનાં નિર્માણથી સુત્રાપાડા તાલુકાનાં 48 ગામો તથા આસપાસના તાલુકાનાં ગામોમા ખેડૂતોને ખેત પેદાશોનું વેંચાણ કરવાની સુવિધા મળી રહેશે. જેનાથી ખેડૂતોને ઘર આંગણે ખેતપેદાશ વેંચાણની સવલત મળવા સાથે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં બચત થશે. માર્કેટીંગ યાર્ડમાં ખેત જણસીની વેંચાણની જરૂરી સુવિધા સાથે આકર્ષક એન્ટ્રીગેઇટ, પેવર બ્લોકક, આર.સી.સી. રોડ,શેડ સહિત જરૂરી તમામ સવલતો ઉભી કરવામાં આવી છે. પૂર્વ મંત્રી જશાભાઇ બારડનાં આ માર્કેટીંગ યાર્ડનાં સ્થાપક છે. જ્યારે ચેરમેન તરીકે દીલીપભાઇ બારડ છે. માર્કેટીંગ યાર્ડનાં લોકાર્પણ ઉપરાંત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા રૂા. 2 કરોડનાં ખર્ચે નિર્માણ કરાયેલ સુંદર ચોપાટી તથા રૂા.46 લાખનાં ખર્ચે નિર્મિત વેજીટેબલ માર્કેટનું પણ મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરાશે. આ પ્રસંગે કૃષિ અને ગ્રામ વિકાસમંત્રી આર.સી.ફળદુ, અન્ન નાગરિક પૂરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા, ગીર-સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન જાલંધરા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ચુનીભાઇ ગોહેલ, રાજ્ય બીજ નિગમનાં ચેરમેન રાજશીભાઇ જોટવા, પ્રવાસન નિગમનાં ડિરેકટર ઝવેરીભાઇ ઠકરાર, પૂર્વ મંત્રી લખમણભાઇ પરમાર, પૂર્વ ધારાસભ્ય કાળાભાઇ ઝાલા, જેઠાભાઇ સોલંકી, ગોવિંદભાઇ પરમાર, કે.સી.રાઠોડ સહિત પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહેનાર છે.