કાશ્મીર: ‘ભારતે’ કાયમી ઉકેલ શોધવો રહ્યો

  • કાશ્મીર: ‘ભારતે’ કાયમી ઉકેલ શોધવો રહ્યો

ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ચુનાવી ઘોષણાપત્ર જાહેર કર્યું છે. આ ઘોષણાપત્રમાં આમ તો મધ્યમ વર્ગ માટે ખાસ કંઈ નથી, જે પણ છે એ માત્ર ખેડૂતો અને ગરીબો અથવા અતિ ગરીબો માટેનાં જ વચનો છે. આવકવેરાની મર્યાદા કે એવી બીજી કોઈ ખાસ છૂટ મધ્યમ વર્ગ માટે જાહેર કરવામાં આવી નથી. આમ તો મધ્યમ વર્ગ જ ભાજપનો સૌથી વફાદાર મતદાર રહ્યો છે તેમ છતાં તેની ઉપેક્ષા ઊડીને આંખે વળગે તેવી છે, પરંતુ ભાજપે રામમંદિર સહિત ઘોષણાપત્રમાં કાશ્મીરના મુદ્દા અંગે કલમ 370 અને કલમ 35એ અંગે જે વચન આપ્યું છે તે જરૂર ધ્યાનાકર્ષક છે.
આમ જોવા જઈએ તો ભારતની તમામ જનતાઓમાંથી એક મધ્યમ વર્ગ જ એવો છે જે ક્યારેય પોતાની માગણી માટે રસ્તા પર ઊતર્યો નથી. મધ્યમ વર્ગે એડજસ્ટ થઈ જવું અથવા એડજસ્ટ કરી લેવું તેને જ જીવનમંત્ર બનાવ્યો છે, પરંતુ આ જ વર્ગ એવો છે જે સૌથી વધુ દેશદાઝ ધરાવે છે અને ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કાશ્મીર મુદ્દે જે વચન આપવામાં આવ્યું છે તે આ વર્ગને સૌથી વધુ સ્પર્શી શકે તેમ છે.
કાશ્મીર એ ભારતનું અવિભાજ્ય અંગ છે અને રહેશે એમાં કોઈ શક નથી, પરંતુ કાશ્મીરમાં આજે પણ જે રીતનું વાતાવરણ છે એ જોતાં ત્યાં રહેવું ભારતીયો માટે શક્ય નથી. આજે પણ કોઈ ભારતીય ત્યાં સ્થાયી થઈ શકતો નથી, ત્યાં જગ્યા કે મિલકત ખરીદી શકતો નથી, કાશ્મીરીઓ આજે પણ પોતાની જાતને ભારતીયોથી અલગ ગણી રહ્યા છે આ જ વાત દરેક ભારતીયને મનમાં ખૂંચી રહી છે.
ભાજપ છેલ્લા પાંચ વર્ષથી સત્તામાં હતો, પીડીપી સાથે ભાજપે જમ્મુ અને કાશ્મીરમાં પણ સત્તામાં ભાગીદારી કરી તેમ છતાં કાશ્મીર મુદ્દે કંઈ નક્કર કરી શક્યા નથી. હવે જ્યારે મહેબૂબા અને ઓમર અબ્દુલ્લા કાશ્મીર અને ધારા 370 કે 35એને લઈ જે રીતના નિવેદનો કરી રહ્યા છે તે જોતાં કાશ્મીર મુદ્દે કડક હાથે કામ લેવાની જરૂર છે. જે રીતે ક્ધહૈયાકુમાર અને હાર્દિક પટેલ જેવાઓની સામે દેશદ્રોહનો ગુનો નોંધીને કામ ચલાવવામાં આવ્યું છે તેવી જ રીતે આ બંને ગદ્દારો પર પણ કેસ ઠોકીને તેમને અંદર કરી દેવા જોઈએ. ભારતનું નામોનિશાન મિટાવવાની વાત કરનારને સાંખી જ કેમ શકાય? કોંગ્રેસ આ મુદ્દે સાવ ચૂપ છે, તે કંઈ કરી શકે તેમ પણ નથી અને કરવા માગતી પણ નથી, પરંતુ ભાજપ પાસેથી લોકોને હજુય આશા છે, ભલે રામમંદિર મુદ્દે ભાજપે ગુલાંટ મારી હોય, પરંતુ જો એ કાશ્મીર મુદ્દે આપણા દેશવાસીઓની ભાવના સમજી શકે, દેશવાસીઓની ભાવનાની કદર કરી શકે તો જરૂરથી માત્ર આ વખતે જ નહીં, પરંતુ આવતા વખતે 2024માં પણ વિજયમાળા તેમનાં ગળામાં હશે. આપણે થોડી બેરોજગારી ચલાવી લેશું, જીએસટી, નોટબંધી ચલાવી લેશું, થોડી મોેંઘવારી પણ ચાલશે, રામમંદિરમાં પૂજા કરવામાં ભલે વિલંબ થાય એ પણ ચલાવી લેવાશે, પરંતુ કાશ્મીર મુદ્દે કોઈ પણ એલફેલ નિવેદન નહીં ચાલે, ભારતના ટુકડા કરવાની વાત નહીં જ ચાલે. ભાજપે ખરેખર આ ભાવના સમજવાની જરૂર છે. માત્ર ચૂંટણી ઢંઢેરામાં આશ્ર્વાસન આપવાથી નહીં ચાલે. ભાજપે હવે કંઈક નક્કર કરવું જ પડશે જો તેમને બીજી ટર્મ મળે તો!