ગુજરાત ભાજપ માટે LSની 26માંથી 14 બેઠકો ચિંતાજનક

અમદાવાદ, તા.3
લોકસભા ચૂંટણીનું બ્યૂગલ વાગી ગયું છે. કોંગ્રેસમાં સંગઠનના ઠેકાણા નથી અને ભાજપ આજથી લોકસભાની બેઠકોની તૈયારી શરૂ કરી છે. આ લોકસભાની ચૂંટણી ભાજપ માટે કરો યા મરો જેવી છે. જેની સાથે મુખ્યમંત્રી રૂપાણીનું ભવિષ્ય જોડાયેલું છે. કોંગ્રેસ માટે તો કંઇ ગુમાવવાનું નથી. આ લોકસભામાં કોંગ્રેસમાં ડખ્ખાડૂખીને બદલે એકતા જળવાય તો પણ ઘણું છે. ચૂંટણીમાં સૌથી મોટું ટેન્શન એ અમિત શાહ અને મોદીને ગુજરાતનું છે. કારણ કે દેશભરમાં ભાજપને આગળ વધારનારા આ બંને નેતાઓ પોતાનું ઘર સંભાળી શક્યા નથી અને ગુજરાતમાં જ હૈયાહોળી છે. આ વર્ષે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમાન તક હોવાથી આ લોકસભાની ચૂંટણીમાં ભારે રસાકસી જામે તેવી સંભાવના છે. ભાજપને પણ 8થી 10 બેઠકો પર સ્થિતિ ગંભીર હોવાનું અનુમાન છે. ભાજપની સ્થિતિ નબળી મનાય છે તેવી 14 બેઠકો પર સ્પેશ્યલ પ્લાન ઘડ્યો છે.
ગુજરાતમાં લોકસભાની ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યમાં 26 લોકસભાની બેઠક માટે 78 નેતાઓની પ્રભારી, ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જની નિમણુંક કરી દેવાઈ છે. આજથી મુખ્યમંત્રીના બંગ્લા પર ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર અને અમરેલી બેઠક પર ચર્ચા હાથ ધરાઈ છે. આ બેઠકમાં આ 4 લોકસભા સાથે જોડાયેલા તમામ અગ્રણીઓને હાજર રહેવા આદેશ કરાયો હતો. ભાજપે સૌ પ્રથમ નબળી બેઠકો પર હાથ અજમાવ્યો છે. અમરેલી અને વિધાનસભાના વિરોધપક્ષના નેતાનો ગઢ છે. ભાવનગર એ ભાજપના પ્રદેશ પ્રમુખનો ગઢ ગણાય છે. આ બંને બેઠકો ભાજપ અને કોંગ્રેસ માટે અતિ મહત્વની છે. ગુજરાતમાં લોકસભાની તૈયારીઓ વચ્ચે હજુ કોંગ્રેસ ઉંઘમાં છે. તેના સંગઠનના ઠેકાણા નથી અને ભાજપે લોકસભાની તૈયારીઓ શરૂ કરી છે. ગુજરાતમાં આ વર્ષે ભાજપ માટે કપરાં ચઢાણ છે. આમ છતાં ભાજપને 3થી 4 બઠોકનું નુક્સાન જાય તેવી સંભાવના રાજકીય અગ્રણીઓ માંડી રહ્યાં છે.
ગુજરાતમાં ભાજપની પડતીની નિશાની પર મોદી અને અમિત શાહે 26માંથી 26 બેઠકો મેળવવા માટે આદેશ કર્યા છે. આ વર્ષે ભાજપ માટે મુશ્કેલી છે એવી 26માંથી 14 બેઠકો પર ભાજપની સ્થિતિ નબળી છે. જ્યાં ભાજપ સામે સ્થાનિકમાં ભારે વિરોધ છે. ભાજપે 12 બેઠકો પર ચિંતા છોડીને આ 14 બેઠકો પર સૌથી વધારે ભાર આપવાની જરૂર છે. આ બેઠકો પર કોંગ્રેસને પણ મદાર છે. કોંગ્રેસે પણ એડીચૌટીનું જોર પણ આ જ બેઠકો પર લગાવાની જરૂર છે. આમ ભાજપ માટે આ લોકસભામાં ગુમાવવાનું છે કોંગ્રેસ માટે જીતે એટલો નફો થવાની સ્થિતિ છે. કોંગ્રેસ પાસે કંઇ ગુમાવવાનું નથી. કોંગ્રેસ ગેઈન કરશે તો રાહુલ ગાંધી સામે ગુજરાત કોંગ્રેસ પોતાની મજબૂતી સાબિત કરી શકવાની આ વર્ષે ઉત્તમ તક છે.
ગુજરાત વિધાનસભામાં નબળા દેખાવ બાદ ભાજપે લોકસભાની 26 બેઠકોમાં આવતી પાર્ટીની નબળી એવી વિધાનસભાની 85 બેઠકો પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. પાર્ટીના ઇન્ટરનલ સર્વે પ્રમાણે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ આઠથી દસ બેઠકો ગુમાવે છે ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકારના વિભાગોને એવી સૂચના આપી છે કે એનડીએના શાસનમાં છેલ્લા ચાર વર્ષમાં કેન્દ્ર સાથેના ગુજરાતના કેટલા પ્રશ્નો ઉકેલ્યા છે અને કેટલા પડતર રહ્યાં છે તેની યાદી બનાવો. પાર્ટીના સૂત્રો પ્રમાણે ભાજપ માટે ગુજરાતની પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, જામનગર, આણંદ લોકસભા બેઠક જોખમી બની છે. ભાજપ માટે કચ્છ, બનાસકાંઠા, અમદાવાદ ઇસ્ટ અને વેસ્ટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, ખેડા, બારડોલી, સુરત, નવસારી અને વલસાડ બેઠક પર કોઇ જોખમ નથી. એટલે કે ભાજપને જોખમ છે એવી 14 બેઠકો પર એડી ચોટીનું જોર ભાજપ લગાવે તેમ મનાય છે.
મોદીએ રૂપાણી સરકારને મસમોટું લેશન આપ્યું છે. કેન્દ્રની એક પણ યોજનાનો ગુજરાતમાં વિલંબ થવો જોઈએ નહીં. કામગીરી ન કરતા અધિકારીઓને પણ બદલી દેવા માટે આદેશો થયા છે.