75000 શ્રમયોગીઓના હક્કના રૂા.8 કરોડ છૂટા કરવા નિર્ણય

  • 75000 શ્રમયોગીઓના હક્કના રૂા.8 કરોડ છૂટા કરવા નિર્ણય
    75000 શ્રમયોગીઓના હક્કના રૂા.8 કરોડ છૂટા કરવા નિર્ણય

ગાંધીનગર, તા.3
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના 7પ હજાર જેટલા શ્રમયોગીઓને તેમના વિવિધ લાભ-હક્કના ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ પાસે રહેલા 8 કરોડ રૂપિયાના લાભ દિપાવલી ભેટ તરીકે આપવાની શ્રમયોગી કલ્યાણલક્ષી જાહેરાત કરી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યના વિકાસમાં પોતાના શ્રમની પરાકાષ્ટાથી ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા શ્રમયોગીઓના જે લાભ હક્કના નાણાં વણચૂકવાયેલા આ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં રહેલા છે તે શ્રમયોગીઓને પરત આપીને દિપાવલી પર્વનો ઉજાસ તેમના પરિવારોમાં પ્રગટાવવાનો ઐતિહાસિક નિર્ણય આ સરકારે કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદમાં ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના ઉપક્રમે આયોજિત સહાય ચેક વિતરણ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ એકમોમાં શ્રમદાન કરી રહેલા શ્રમયોગીઓના સંતાનોને શિક્ષણ સહાય, આરોગ્ય સહાય સહિત શ્રમયોગીઓને સહાય એમ કુલ રૂ. 4.પ0 કરોડના સહાય ચેકનું વિતરણ કર્યુ હતું.
તેમણે શ્રમયોગીઓ તેમજ તેમના પરિવારજનોને કામકાજના સ્થળે, ઘરઆંગણે તબીબી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા પાંચ મોબાઇલ એમ્બ્યુલન્સ વાન સેવાઓનો પણ પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ઉમેર્યુ કે, શ્રમિકોના પરિવાર અને ભાવિ પેઢીનો વિકાસ અટકે નહિ, આરોગ્ય, શિક્ષણ, કારકીર્દી ઘડતર વગેરે ક્ષેત્રોમાં સંપૂર્ણ સગવડતા મળે તે માટે રાજ્ય સરકારે શ્રમયોગી કલ્યાણ બોર્ડને 30 કરોડ રૂપિયાના માતબર બજેટથી સજ્જ કર્યુ છે. શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, એક સમયે બોર્ડ બંધ કરવું પડે તેવો વખત આવ્યો હતો. પરંતુ રાજ્ય સરકારની શ્રમિકોને માટેની સંવેદનશીલતાને કારણે આજે બોર્ડ ધમધમતું થયું છે.
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના ચેરમેન શ્રી સુનિલભાઇ સિંઘીએ જણાવ્યું કે, રૂા. 22 લાખની પ્રવૃત્તિ સાથે શરુ થયેલું બોર્ડ આજે રૂા. 32 કરોડની પ્રવૃત્તિ કરી રહ્યુ છે અને આગામી વર્ષ 2020 સુધીમાં 100 કરોડની શ્રમયોગીલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરશે.
આ પ્રસંગે સાંસદ શ્રી ડો. કિરીટભાઇ સોલંકી, શ્રમ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા, વેલ્ફેર કમિશનર શ્રી એચ. ડી. રાહુલ, લેબર કમિશનર શ્રી સી.જે.પટેલ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સી.જી.એમ. શ્રી દુખબંધુરથ તથા શ્રમયોગીઓ ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.