તનુશ્રી દત્તા V/S રાખી સાવંત

  • તનુશ્રી દત્તા V/S રાખી સાવંત
    તનુશ્રી દત્તા V/S રાખી સાવંત

લાંબા સમયથી ફિલ્મોમાંથી દૂર રહેનારી અભિનેત્રી તનુશ્રી દત્તાએ અચાનક જ મીટુ અભિયાન છેડી દેતા બોલિવૂડમાં રીતસરનો ભૂકંપ સર્જાયો હતો. 2008માં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘટેલી ઘટનાને લઈને તનુશ્રીએ પીઢ અભિનેતા નાના પાટેકર અને ગણેશ આચાર્ય સાથે અનેક લોકોને લપેટામાં લીધા. આ મામલે આખાબોલી રાખી સાવંતે પણ ઝંપલાવ્યું હતું.
રાખી સાવંતે તનુશ્રી દત્તાને ડ્રગની બંધાણી ગણાવી હતી. આટલુ જ નહીં રાખીએ તનુશ્રીને લઈને અનેક વાતો કહી હતી. આ વીડિયો મીડિયામાં ભારે વાયરલ પણ થયો હતો. હવે આ આધારે જ તનુશ્રીએ રાખી સાવંત વિરૂદ્ધ માનહાનીનો કેસ નોંધાવ્યો છે. પોતાના વિરૂદ્ધ કરવામાં આવેલી નિવેદનબાજી અને રાખી સાવંતના નિવેદનથી આહત તનુશ્રીએ રાખી વિરૂદ્ધ માનહાનીનો કેસ નોંધાવ્યો છે. તનુશ્રીએ રાખી સાવંત વિરૂદ્ધ રૂપિયા 10 કરોડનો માનહાનીનો દાવો માંડ્યો છે. રાખીએ કહ્યું હતું કે, તનુશ્રી ડ્રગ્સ લઈને પોતાની વાનમાં સુતી હતી ત્યારે ગણેશ આચાર્યના કહેવાથી મેં ગીતનું શુટિંગ પુરૂ કર્યું હતું. તનુશ્રીએ આ ગીતનું શુટિંગ અધવચ્ચે જ છોડી દીધું હતું. ત્યાર બાદ કોરિયોગ્રાફર ગણેશ આચાર્યનો મારા પર ફોન આવ્યો હતો. તેમણે મને બસ એટલું જ કહ્યું કે, તુ ખાલી સેટ પર આવ, ગીત પુરૂ કરવાનું છે. ત્યાર બાદ તે તુરંત સેટ પર આવી ગઈ હતી. આ ઘટના કહી સંભળાવતી વખતે રાખીએ તનુશ્રીને લઈને ઘણીવાર અપશબ્દોનો ઉપયોગ પણ કર્યો હતો. તનુશ્રીએ ભારતમાં મીટુ અભિયાનની શરૂઆત કરી હતી. તનુશ્રીએ અવાજ ઉઠાવ્યા બાદ અનેક હસ્તીઓ સામે આવી હતી. દેશમાં જાણે મીટુનો વંટોળ ઉભો થયો હતો. બોલિવૂડ સહિત અનેક રાજકીય હસ્તીઓ સામે પગલા પણ ભરવામાં આવ્યા. કેટલાકે શો છોડવા પડ્યા તો કેટલાકે ફિલ્મો.