સસ્પેન્ડ થઇ શકે છે રાકેશ અસ્થાના

નવી દિલ્હી તા,23
સીબીઆઈ ચીફ આલોક વર્મા એજન્સીમાં નંબર 2 એટલે કે સ્પેશિયલ ડાયરેકટર રાકેશ અસ્થાનાને સસ્પેન્ડ કરવાની દિશામાં આગળ વધી રહ્યાં છે. જેની તૈયારી તેઓએ એક પત્રની મદદથી કરી છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ હાલમાં જ આલોક વર્મા તરફથી સરકારને એક પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં રાકેશ અસ્થાનાના સસ્પેન્શનની વાત કરતાં તેઓને નૈતિક પતનનો એક સ્ત્રોત ગણાવાયો હતો. દેશની ટોચની તપાસ એજન્સીમાં બે વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે જોવા મળતી કલેશની ગંભીરતાનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે વડાપ્રધાન મોદીને પણ આ વિવાદમાં મધ્યસ્થી કરવાની ફરજ પડી છે.
ઘટના પર પીએમઓએ
ચિંતા વ્યક્ત કર્યાં બાદ બંને અધિકારીઓને સમન પણ જાહેર કર્યું છે. જે બાદ સીબીઆઈ ચીફ આલોક વર્મા સોમવારે પીએમ મોદીને મળ્યાં. જો કે આ મીટિંગમાં પણ સીબીઆઈમાં જોવા મળતો વિવાદ ખતમ થવાને લઈને વાત ન બની. સીબીઆઈના સ્પેશિયલ ડાયરેકટર રાકેશ અસ્થાના વિરૂદ્ધ બે કરોડ રૂપિયાના કથિત લાંચના મામલે કેસ દાખલ કર્યો છે, જેમને થોડાંક દિવસ પહેલાં સીબીઆઈ ચીફ વિરૂદ્ધ ડઝનો આરોપ લગાવતાં સરકારને પત્ર લખ્યો હતો.
આ ઘટનાક્રમને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો છે. ટ્વીટ કરી રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તપાસ એજન્સી રાજકારણમાં બદલાની કાર્યવાહીનું હથિયાર બની ગયું છે. આ સંસ્થા આજે પોતાની સાથેની લડાઈ લડી રહી છે.’