ટ્રાફિક પોલીસ અને મનપા દ્વારા મહાઝુંબેશ

  • ટ્રાફિક પોલીસ અને મનપા દ્વારા મહાઝુંબેશ
  • ટ્રાફિક પોલીસ અને મનપા દ્વારા મહાઝુંબેશ

રાજકોટ તા.9
રાજકોટ શહેરની માથાના દુ:ખાવા સમાન ટ્રાફીકની સમસ્યા હલ કરવા ટ્રાફીક પોલીસ અને મહાપાલીકા દ્વારા ટ્રાફીક નિયમન અને રોડ-રસ્તા ઉપરના દબાણો હટાવવામાં આવી રહ્યા છે છતા સમસ્યાનો ઉકેલ નહીં આવતા મનપાએ ટ્રાફીક પોલીસના સહયોગથી મુખ્ય માર્ગો ઉપરના દબાણો અને ગેરકાયદેસર પાર્કીંગ વિરૂધ્ધ ઝુંબેશ શરૂ કરી છે.
મનપાના જગ્યારોકાણ વિભાગ અને એસ્ટેટ વિભાગ દ્વારા રોડ ઉપરના રેકડી, કેબીન સહિતના થયેલા દબાણો હટાવવાની કાર્યવાહી રેગ્યુલર કરવામાં આવી રહી છે છતા મુખ્ય માર્ગો અને મુખ્ય બજારોમાં થતા આડેધડ વાહન પાર્કીંગના કારણે ટ્રાફીક સમસ્યા દિવસે દિવસે વકરતી જતી હોવાનું જોવાઇ રહ્યું છે ત્યારે સ્માર્ટ સીટીના મુખ્ય અને અગત્યના મુદ્દા ઉપર મનપાએ કાર્યવાહી શરૂ કરી છે તે મુજબ હવેથી શહેર ટ્રાફીક પોલીસ અને મનપાના જગ્યારોકાણ વિભાગના સંયુક્ત ઉપક્રમે મુખ્ય માર્ગો અને મુખ્ય બજારોમાં ટ્રાફીક સમસ્યા હળવી કરવામાં આવશે.
મહાનગરપાલીકા દ્વારા ગત સપ્તાહે સ્પેશ્યલ ટીમ બનાવી હોસ્પીટલ ચોક, કેસરી હિંદ પુલ, પેડક રોડ, રણછોડનગર, સંતકબીર રોડ સહિતના મુખ્ય માર્ગો ઉપર ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તંત્રના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં રાજકોટના 48 રાજમાર્ગો તેમજ પરાબજાર, જ્યુબેલી શાકમાર્કેટ, ગોંડલ રોડ, લાખાજીરાજ રોડ, ગુંદાવાડી મેઇન રોડ, ત્રિકોણબાગ તથા વધુ ભીડભાડ રહેતી હોય તેવી મુખ્ય બજારોમાં અને તેને લાગુ રોડ ઉપરથી રેકડી, કેબીનના દબાણો અને રસ્તા ઉપર પાર્ક કરેલા વાહનોના દબાણો દુર કરવામાં આવશે.
રાજકોટ શહેર ટ્રાફીક વિભાગ અને મહાપાલીકાના સંયુક્ત ઉપક્રમે શહેરની ટ્રાફીક સમસ્યા હળવી કરવા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં પોલીસ દ્વારા નો પાર્કીંગ ઝોન અંતર્ગત વાહનો ડીટેઇન કરવાની કાર્યવાહી તથા મનપાના જગ્યારોકાણ અને એસ્ટેટ વિભાગ દ્વારા રોડની બન્ને બાજુ થયેલા નડતરરૂપ લારી-ગલ્લા સહિતના દબાણો હટાવાશે તેમજ કોમર્શિયલ બીલ્ડીંગો અને રહેણાંકના એપાર્ટમેન્ટમાં આવતા વાહનચાલકોને તેમના વાહનો પાર્કીંગ પ્લેસમાં પાર્ક કરવાની સુચના આપવામાં આવશે.