પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને બે કલાક વહેલા છોડવા પરિપત્ર જાહેર

  • પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને બે કલાક વહેલા છોડવા પરિપત્ર જાહેર

રાજકોટ તા,9
શહેરમાં ઓરેન્જ એલર્ટ લાગુ કરવામાં આવ્યું છે અને લોકો બપોરે 12 વાગ્યાથી ઘરની બહાર નીકળતા નથી ત્યારે શહેરની શાળાઓમાં બાળકોને ધોમધખતા તાપમાં છોડવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓને તાપમાં શેકાવુ પડે છે. આ મામલે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ મળતા પ્રાથમિક શાળાઓમાં સવારની પાળીના વિદ્યાર્થીઓને બપોરે 11:30 છોડી દેવા આદેશ કરવામાં આવ્યો છે.
આ અંગે રાજકોટ ડીઈઓ આર.એસ.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે પ્રાથમિક શાળામાં સવારની પાળીમાં ભણતા બાળકોને બપોરે 1:30 વાગ્યે સ્કૂલમાંથી છોડવામાં આવી રહ્યા છે. જેને લીધે બાળકોને ધોમધખતા તાપનો સામનો કરવો પડતો હતો. શહેરની ઘણી સ્કૂલો બાળકોને બપોરે દોઢ વાગ્યે છોડે છે તેવી વાલીઓની ફરિયાદ મળી હતી. આથી આ બાબતે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ સમય કરતા બે કલાક વહેલા છોડી મુકવા સુચના આપવામાં આવી છે.
આ અંગે ગઈકાલે સોમવારે એનએસવીઆઈ દ્વારા ડિઈઓને રજૂઆત કરી જણાવ્યું હતું કે શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને બાળકોને બપોરે દોઢ વાગ્યે છોડતા તેમને લુ લાગી જાય છે અને બાળકો બિમાર પડે છે. 
આ બાબતે ડિઈઓએ સવારે 7:30થી 11:30 સુધી પ્રાથમિક શાળામાં અભ્યાસ ચાલુ રાખવા પરિપત્ર જાહેર કરી આદેશ આપવામાં આવ્યો હતો. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને થતી અસર નહી થાય પોતાના સંતાનોને સલામત રહેશે તેવી વાલીઓમાં રાહત જોવા મળી રહી છે.