વિદેશી લડાકુ વિમાનની તુલનાએ સ્વદેશી વિમાન વધુ મોંઘા પડે છે !


નવી દિલ્હી, તા.20
સંરક્ષણ મંત્રાલયે તાજેતરમાં રાજ્ય સંચાલિત સંરક્ષણ કંપની એચએએલની હાથ ધરેલી સમીક્ષાના અહેવાલમાં કહેવામાં આવેલ છે કે બેંગ્લુરૂ સ્થિત હિંદુસ્તાન એરોનોટિકલ લિમિટેડ દ્વારા તૈયાર થયેલું લડાયક વિમાન તે વિમાનની મૂળ નિર્માતા કંપની દ્વારા તૈયાર થતાં વિમાન કરતાં વધુ ખર્ચાળ કે મોંઘું હોય છે.ભારતીય વાયુસેના માટે એચએએલે રશિયાન લાઈસન્સ હેઠળ તૈયાર કરેલું એસયુ -30 એમકેઆઈ લડાયક વિમાન રશિયા દ્વારા તૈયાર થયેલા આ જ પ્રકારના વિમાન કરતાં રૂપિયા 150 કરોડ જેટલું મોંઘું છે. સમીક્ષા અહેવાલના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે રશિયા પાસેથી આ વિમાનની સીધી ખરીદી કરવામાં આવે તેને મુકાબલે એચએએલ દ્વારા તૈયાર થયેલું વિમાન નોંધપાત્ર રીતે મોંઘું પડે છે.
રશિયાની મૂળ કંપનીમાં ઉત્પાદિત એસયુ -30 એમકેઆઈ વિમાનની કિંમત રૂપિયા 269.77 કરોડ છે જ્યારે આ જ વિમાન એચએએલમાં તૈયાર થાય તો તેનું ખર્ચ રૂપિયા 417.69 કરોડ પડે છે. તે જ પ્રમાણે બ્રિટિશ એરોસ્પેસ કંપની દ્વારા તૈયાર થતા હોક તાલીમી વિમાન અને એચએએલ દ્વારા તૈયાર થતા તે જ વિમાનની કિંમત વચ્ચે પણ મોટો તફાવત છે.
બ્રિટિશ કંપની દ્વારા વર્ષ 2004માં તૈયાર થયેલું પ્રત્યેક વિમાન રૂપિયા 78 કરોડની કિંમતે પડયું હતું. જ્યારે એચએએલ ખાતે એ જ વર્ષમાં તૈયાર થયેલા પ્રત્યેક વિમાનનું ખર્ચ 88 કરોડ નોંધાયું હતું.