રાહુલ ગાંધી-સૂરજેવાલા અ’વાદ કોર્ટમાં હાજિર હો

  • રાહુલ ગાંધી-સૂરજેવાલા અ’વાદ કોર્ટમાં હાજિર હો

અમદાવાદ તા.9
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જે બેન્કના ચેરમેન રહી ચૂક્યા છે એવી અમદાવાદ ડિસ્ટ્રિકટ કો.ઓ. બેંકમાં નોટબંધી દરમિયાન કરોડો રૂપિયાની જૂની નોટો બદલાવાઇ હોવાનો આક્ષેપ કરનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાને અમદાવાદની મેટ્રો કોર્ટે કોર્ટમાં 27મી મે સુધીમાં હાજર રહેવાનું ફરમાન કર્યું છે.
એડીસી બેન્ક અને ચેરમેન અજય પટેલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલા વિરુદ્ધ અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી. આ મામલે હવે રાહુલ ગાંધીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એડીસી બેંક માનહાનિ કેસમાં કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાને અમદાવાદ મેટ્રો કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. મેટ્રો કોર્ટના મેજિસ્ટ્રેટ એસ.કે. ગઢવીએ બદનક્ષી થયાનું માન્યું છે.
એડીસી બેંકનો એવો આક્ષેપ છે કે રણદીપ સુરજેવાલા અને રાહુલ ગાંધીએ નોટબંધી સમયે બેંક દ્વારા કરવામાં આવેલા વ્યવહારને લઇને સવાલો ઉઠાવ્યા હતા જેના કારણે બેંકની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે નોટબંધી સમયે એડીસી બેંકમાં 5 દિવસમાં 745 કરોડની નોટ બદલી આપવામાં આવી હતી. આ કેસ કેન્દ્ર સરકાર દ્વારા
કરવામાં આવેલી નોટબંધી પર દાખલ કરવામાં આવેલા આરટીઆઈના આધાર પર બેંક પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને થયો છે. 22 જૂન, 2018એ એક પ્રેસ કોન્ફરન્સમાં સુરજેવાલાએ આરટીઆઈના જવાબનો હવાલો આપતા દાવો કર્યો હતો કે, બેંકે નોટબંધીની જાહેરાત બાદ 5 દિવસની અંદર 745.58 કરોડ રૂપિયાની જૂની નોટ બદલી છે.
સુરજેવાલાએ એવો પણ દાવો કર્યો હતો કે, એડીસીના ચેરમેન પટેલ બેંકના પૂર્વ ચેરમેન અને ડાયરેક્ટર બીજેપી અધ્યક્ષ અમિત શાહના નજીકના છે. સુરજેવાલાએ નોટબંધીની આડમાં બ્લેકમનીને સફેદ કરવાનો આરોપ લગાવતા આ મામલાની તપાસ કરવાની માગણી કરી હતી.