મધુ શ્રીવાસ્તવે કહ્યું, 23મી પછી મીડિયાને જોઇ લઇશ!

  • મધુ શ્રીવાસ્તવે કહ્યું, 23મી પછી મીડિયાને જોઇ લઇશ!
  • મધુ શ્રીવાસ્તવે કહ્યું, 23મી પછી મીડિયાને જોઇ લઇશ!

વડોદરા તા.9
લોકસભાની ચૂંટણી ટાણે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આજે વાડી સ્થિત ઓફિસમાં મીડિયા-કર્મીઓને ખુલ્લી ધમકી આપી હતી કે, 23 એપ્રિલ બાદ મારો દિવસ શરૂ થશે, મીડિયાવાળાને જોઈ લઈશ. મીડિયા સમક્ષ ધમકીભર્યા શબ્દો સાથે અભદ્ર ભાષાના ઉપયોગ કરતાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કેમેરામાં કેદ થયા હતા.
વાઘોડિયા વિધાનસભા બેઠક પર મધુ શ્રીવાસ્તવ 5 કરતાં વધુ ટર્મથી ધારાસભ્ય છે. સિનિયર ધારાસભ્ય હોવા છતાં મધુ શ્રીવાસ્તવ વર્તમાન લોકસભાની ચૂંટણી ટાંણે ભાન ભૂલ્યા છે. આજે ચૂંટણી પંચે વિવાદાસ્પદ નિવેદન મુદ્દે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને નોટીસ ફટકારી છે.
જે મામલે મીડિયાકર્મીઓ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સાથે વાતચીત કરવા વાડી મોહંમદ તળાવ પાસે તેમની ઓફિસે ગયા હતા. મીડિયા સાથે વાતચીત દરમિયાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અચાનક ભડક્યાં હતાં. મધુ શ્રીવાસ્તવ ધમકી આપતા બોલ્યા કે,
મીડિયાને કોર્ટમાં લઈ જઈશ, 23 તારીખ બાદ મારો દિવસ શરૃ થશે અને મીડિયાવાળાને જોઈ લઈશ.
અભદ્ર ભાષાનો ઉપયોગ કરી મીડિયાકર્મીઓને ઓફિસ મેં સે બહાર નિકાલો બોલતાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કેમેરામાં કેદ થયા હતા. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીની આચારસંહિતામાં મધુ શ્રીવાસ્તવ 72 કલાકમાં બીજી વખત વિવાદમાં સપડાયા છે.
મધુ શ્રીવાસ્તવનું રાજીનામું ન લેવાય ત્યાં સુધી વાઘોડિયામાં મતદાન સ્થગિત કરો વડોદરા આરટીઆઈ વિકાસ મંચના પ્રમુખ અંબાલાલ પરમારે જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હતી કે, મધુ શ્રીવાસ્તવે જાહેર મંચ પરથી મતદારોને ઠેકાણે પાડી દેવાની ધમકી આપતાં વાઘોડિયા મતવિસ્તારના મતદારોમાં ભય અને દહેશતનો માહોલ છે.
મુક્ત અને ન્યાયીક રીતે ચૂંટણી ન થાય તેવું જોખમી અને ખતરારૃપી કૃત્ય તેમણે કર્યુ છે. જેથી મધુ શ્રીવાસ્તવ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અને જ્યાં સુધી તેમના પક્ષ તરફથી શિક્ષાના ભાગરુપે ધારાસભ્ય પદેથી રાજીનામુ લખાવી ન લે ત્યાં સુધી વાઘોડિયા વિધાનસભા મત વિસ્તાર પૂરતી હાલની ચૂંટણી સ્થગિત કરવી તેવી માગ કરી હતી.