પરપ્રાંતીઓ અંગેનો ભડકો લોકસભાની ચૂંટણીને અને ગુજરાતનાં રાજકારણને દઝાડવાનાં ચિહ્નો

  • પરપ્રાંતીઓ અંગેનો ભડકો લોકસભાની ચૂંટણીને અને ગુજરાતનાં રાજકારણને દઝાડવાનાં ચિહ્નો
    પરપ્રાંતીઓ અંગેનો ભડકો લોકસભાની ચૂંટણીને અને ગુજરાતનાં રાજકારણને દઝાડવાનાં ચિહ્નો

" હે જાનકીનાથ, સવારે શું થશે એની કોઇને ખબર પડતી નથી !
આ કહેવત સનાતન અને શાશ્ર્વત સત્ય છે. કોઇ ઠેકાણે અચાનક ભયાનક રોગચાળો ફાટી નીકળે અને તે વિકરાળ દાવાનળ જેમ પ્રસરી જાય એમ પરપ્રાંતીઓનો ભડકો આખા દેશની હાલતને બેહાલ કરી મુકવાને આરે પહોંચ્યો છે.
નવરાત્રીનું પર્વ રંગેચંગે આરંભાય અને શુભશુકનના સાથિયા આલેખાય તે ટાંકણે જ પરપ્રાંતીઓ અંગેનો ભડકો દેશના અને ગુજરાતના રાજકારણને બુરી રીતે દઝાડે એવાં ચિહનો ઉપસી રહ્યાં છે.
દેશનાં એક જાણકાર વર્તુળમાં તો એવો ચણભણાટ કાને પડવા લાગ્યો છે કે, આ ભડકો શમાવવાની અને એની વિપરિત અસરને તીવ્રતાને શિથિલ બનાવવાની ભાજપના સર્વોચ્ચ નેતાઓની કવાયતો છતાં તે ગુજરાતના વર્તમાન રાજકારણને અને લોકસભાની ચુંટણીને દઝાડશે !
ગાંધીનગરના આ અંગેના અહેવાલ અનુસાર, ગુજરાતમાં ઉત્તરભારતીયો પર હુમલા અને હિજરતના બનાવોના પગલે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફટકાર લગાવી છે. મોદી અને અમિત શાહે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. ખાસ કરીને બિહાર અને ઉત્તરપ્રદેશના લોકો પર હુમલા અને હિજરતની ઘટનાને બરાબર હેન્ડલિંગ ન કરવાને કારણે આ બન્ને નેતાઓ નારાજ થયા છે. આ બન્ને નેતાઓ ગુજરાતમાંથી જ આવે છે. આવી ઘટનાઓથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. ગુજરાતની સ્થિતિનો તાગ મેળવવા વડાપ્રધાને પોતાના ખાસ દૂતને ગુજરાત દોડાવ્યા છે. અધિકારીઓની ગુજરાત પહોંચેલી ટીમ મુખ્યપ્રધાન રૂપાણી અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે બેઠક કરી પરિસ્થિતિને કેવી રીતે થાળે પાડવી તેના પર ચર્ચા કરશે.
ઉલ્લેખનીય છે કે ઢુંઢર દુષ્કર્મની ઘટના બાદ ગુજરાતમાં પરપ્રાંતીય લોકો હિંસાનો શિકાર બન્યા હતા. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇને કોઇ ખોટો સંદેશ ભાજપ જવા લેવા માગતું નથી. જો કે બીજી બાજુ, ગુજરાત સરકારે એવો લૂલો બચાવ કર્યો હતો કે તહેવારોને કારણે મોટી સંખ્યામાં પરપ્રાંતીયો પલાયન કરે છે.
તો બીજી બાજુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે પણ ગુજરાતમાં હિંસાના મુદ્દે ચિંતા પ્રગટ કરી હતી.
પરપ્રાંતીઓનો મામલો છેક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તા.31 મી ઓકટોમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટના લોકાર્પણ કાર્યક્રમને આભડી ગયો છે.
દેશના તમામ રાજ્યોના રાજયપાલ વડાપ્રધાન મોદીના હસ્તે 31મી ઓક્ટોબરે જેનું ઉદ્ઘાટન થવાનું છે, તે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણના કાર્યક્રમનું આમંત્રણ દેશના તમામ રાજ્યના રાજ્યપાલ તથા મુખ્યમંત્રીઓને આપવાનું આયોજન ગુજરાતની ભાજપ સરકારે કર્યું હતું. એટલું જ નહીં, આ આમંત્રણ આપવા ખુદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ વિવિધ રાજ્યમાં જવાના હતા.
ગુજરાતમાં પરપ્રાંતિઓ પર હુમલાની ઘટનાઓ ઉત્તરોત્તર વધી રહી છે, ત્યારે અન્ય રાજ્યોમાં આમંત્રણ આપવા જનારા મંત્રીઓ અને તેમાંય ખાસ કરીને બિહાર અને ઉત્તરપ્રદેશમાં આમંત્રણ આપવા જનારા શરમજનક સ્થિતિમાં મુકાય એ સ્વાભાવિક છે. પરિસ્થિતિની ગંભીરતા સમજી સરકારે પરપ્રાંતિઓની સુરક્ષા માટે પૂરતા પગલા લીધા છે, પણ તેમ છતાં પરિસ્થિતિ થાળે ન પડે તો આમંત્રણ આપવા જવાના મંત્રીઓના આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવશે એમ સુત્રો જણાવે છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહારાષ્ટ્ર, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ ઝારખંડ, ઉર્જામંત્રી સૌરભ પટેલ બિહાર સરકારને આમંત્રણ આપવા જવાના છે. 6થી 18 ઓક્ટોબર દરમિયાન વિવિધ મંત્રીઓ વિવિધ રાજ્યોમાં આમંત્રણ આપવા જવાના હતા. જોકે છેલ્લી ઘડીએ આમાં ફેરફાર થવાની શક્યતા છે. મુખ્યમંત્રીની જેમ અન્ય મંત્રીઓના આમંત્રણ આપવા માટેના પ્રવાસની તારીખો નક્કી થઇ ગઇ છે કે કેમ તે અંગે પૂછતાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે બુધવારે કેબિનેટની બેઠક પહેલા તારીખો નક્કી થઈ જશે. ગુજરાતમાંથી મંત્રીને જે રાજ્યમાં જવાનું છે ત્યાં મુખ્યમંત્રી- રાજ્યપાલનો સમય અનુકૂળતાને ધ્યાને રાખીને પ્રવાસ ગોઠવાય છે. જોકે તેમણે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે 18મી ઓક્ટોબર પહેલા તમામ રાજ્યોને આમંત્રણો આપી દેવાશે.
ગાંધીનગરના એક બીજા અહેવાલ મુજબ પરપ્રાંતીયો પરના હુમલાઓની ઘટનાને પગલે ગુજરાતમાં ફરી એક વાર દહેશતનો માહોલ ઊભો થયો છે. મજૂરો-કામદારો માટે કાર્યરત્ વિવિધ સંગઠનો દ્વારા એવો દાવો કરાયો છે કે અત્યાર સુધીમાં ગુજરાતના વિવિધ ઠેકાણેથી હજારોની સંખ્યામાં પરપ્રાંતીયો રોજીરોટી છોડી હિજરત કરી ગયા છે.
આ સિલસિલો અત્યારે પણ ચાલુ જ છે. આ સંજોગોમાં કામદારોના રોજગારને તો ફટકો પડયો જ છે સાથો સાથ વાઈબ્રન્ટ ગુજરાતના વેપાર-ઉદ્યોગને પણ મોટો ફટકો પડી રહ્યો
છે. ઉદ્યોગ જગત પણ કટોકટીમાં મુકાયો છે.
ગુજરાતમાં અસંગઠિત ક્ષેત્રના બે કરોડ કામદારો છે, જેમાંથી આશરે પરપ્રાંતીય કામદારોની સંખ્યા 50 લાખ આસપાસ થવા જાય છે. ધંધા-રોજગારને અસર થતાં સ્થાનિક અને પરપ્રાંતીય મળીને અત્યારે 15 લાખ કામદારો અસરગ્રસ્ત બન્યા છે.
કચ્છમાં મુખ્યત્ત્વે ગાંધીધામ, મુન્દ્રા, અંજાર સહિતનાં શહેરી તેમજ તાલુકા વિસ્તારના ઉદ્યોગોમાં પરપ્રાંતિયોની અંદાજીત એક લાખ કરતાં વધુ વસ્તી છે. જેમાંથી મોટા ભાગના કામદારો ટીમ્બર ઉદ્યોગ, કંડલા સેઝ, કંડલા પોર્ટ, અદાણી પોર્ટ, અદાણી સેઝ, સ્ટીલ કંપનીઓ અને અન્ય ઉદ્યોગોમાં રોજગારી મેળવવાની સાથે નાના-મોટા વ્યવસાય કરી રહ્યા છે. ગાંધીધામ અને મુન્દ્રામાં લગભગ ભારતનાં તમામ રાજ્યોનાં લોકો વસવાટ કરી રહ્યા છે. આ ઉપરાંત ભુજ, અબડાસા, લખપત, માંડવી, રાપર સહિતમાં પણ નાની મોટી વસ્તી પરપ્રાંતિયોની છે, જે મુખ્યત્વેના નાના-મોટા રોજગાર ધંધા કે સીમેન્ટ ઉદ્યોગ, સોના-ચાંદીના કારીગર, ખેત મજુરી અને વિવિધ લેબર વર્ક કરે છે.
ધારણા મુજબ આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાઓને સંપૂર્ણપણે અયોગ્ય ઠેરવી કહ્યું કે, પ્રવાસીઓ પર હુમલા થવા યોગ્ય નથી.
કોંગ્રેસ અગ્રણીના આ પ્રત્યાઘાતના પડઘા અન્યત્ર પડ્યા વિના રહે તો નવાઇ !
છતાં, લોકસભાની ચુંટણી વિષે દેશનાં રાજકીટ ક્ષેત્રે હમણા સુધી જે ધારણાઓ સેવાઇ હશે તેના ઉપર નાનો-મોટો કુઠારાઘાત થશે જ અને તેને લગતાં નવાં ગણિત માંડવાં પડશે એમ લાગ્યા વિના રહેતું નથી. આ મુદ્દે દેશની શાંતિને જોખમાવે એનું તથા નવરાત્રીના ઉત્સવભીના માહોલને બગાડે એવું રાજકારણ કોઇ ન ખેલે એમ કોણ નહિ ઇચ્છે ?