ગુજરાતનાં ઉદ્યોગો માટે દિવાળીએ હોળી સર્જશે પરપ્રાતીયોની હિજરત

  • ગુજરાતનાં ઉદ્યોગો માટે દિવાળીએ હોળી સર્જશે પરપ્રાતીયોની હિજરત
    ગુજરાતનાં ઉદ્યોગો માટે દિવાળીએ હોળી સર્જશે પરપ્રાતીયોની હિજરત

અમદાવાદ, તા.9
રાજ્યમાં છેલ્લા 7 દિવસથી પરપ્રાંતીયો પર હુમલાઓની ઘટનાઓ બની રહી છે. જેને પગલે ગુજરાતમાં ફરીવાર દહેશતનો માહોલ ઊભો થયો છે. મજૂરો-કામદારો માટે કાર્યરત વિવિધ સંગઠનોના દાવા મુજબ, અત્યાર સુધીમાં ગુજરાતના વિવિધ સ્થળેથી લગભગ 1 લાખ પરપ્રાંતીયો રોજીરોટી છોડી હિજરત કરી ગયા છે. આ સંજોગોમાં કામદારોના રોજગારને તો ફટકો પડયો જ છે સાથે સાથે ગુજરાતના વેપાર-ઉદ્યોગને પણ મોટો ફટકો પડી રહ્યો છે.
ગુજરાતમાં અસંગઠીત ક્ષેત્રના બે કરોડ કામદારો છે, જેમાંથી લગભગ 50 લાખ પરપ્રાંતીય કામદારો છે. માત્ર એટલું જ નહીં, ફરસાણ, મીઠાઈ, રિયલ એસ્ટેટ તથા ગૃહ ઉદ્યોગો પર પણ તેની માઠી અસર થઈ છે. આમ પરપ્રાંતીયોની હિજરતને કારણે લોકોના દશેરા-દિવાળી બગડી શકે છે.
તેમજ શહેરથી લઈ ગામડાઓમાં પાણીપુરી અને પકોડીના ધંધાઓ પણ બંધ થઈ ગયા છે. તો બીજી તરફ દશેરા અને દિવાળી આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, પરંતુ હાલ મીઠાઈના દુકાનદારોએ માલ ભરી લીધો છે, પરંતુ કારીગરોના અભાવે મીઠાઈ બનવી મુશ્કેલ છે.
રાજ્યના ધંધા-રોજગારને અસર થતાં સ્થાનિક અને પરપ્રાંતીય મળીને અત્યારે 15 લાખ કામદારો અસરગ્રસ્ત બન્યા છે. એક તરફ ગુજરાત સરકાર ઉદ્યોગોને આકર્ષવા માટે વાઈબ્રન્ટ સમિટ યોજે છે, તો બીજી તરફ કામદારોની સલામતી જાળવવામાં નિષ્ફળ જઈ રહી છે.
સોશિયલ મીડિયા પર સોમવારે બંધના એલાનની અફવા ફેલાતા છેલ્લા બે દિવસમાં મોટી સંખ્યામાં સાણંદ, બાવળા, ચાંગોદરમાં આવેલાં ઔદ્યોગિક વિસ્તારોની નજીકના ગામોમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતીયો પોતાના વતન તરફ પલાયન કરી ગયા છે. જોકે, પરપ્રાંતીયોને રોકવા માટે સ્થાનિક અગ્રણીઓએ કવાયત શરૂ કરી દીધી છે. બોળ, મોતીપુરા, ચરણ, છારોડી જેવા ગામોમાં પરપ્રાંતીયોની સંખ્યા આશરે 25 હજારની આસપાસ હતી, જેમાં 60 ટકા જેટલો ઘટાડો થયો છે અને વતન જતાં રહ્યા છે.
નવરાત્રિ, દશેરા અને દિવાળી જેવા તહેવારો નજીક આવી ગયા છે અને રિયલ એસ્ટેટ ઉદ્યોગ શુભ દિવસોમાં લોકોને સપનાનું ઘર આપવા ફ્લોરિંગ, કલરકામ સહિતની છેલ્લા તબક્કાની તડામાર કામગીરી ચાલી રહી હતી ત્યારે જ ડરનો માહોલ ઉભો થતાં પરપ્રાંતીયોનું પલાયન શરૂ થઇ જતાં બિલ્ડર- ડેવલપર્સમાં તહેવારો બગડે તેવી ભીતિ ઉભી થઇ છે. તહેવારોમાં નવી દુકાનો, શો રૂમ, બંગલાનુ કામ પૂર્ણ કરી ગ્રાહકોને સોંપવાના હોય છે. સપનાનું ઘર અને નવી દૂકાનોમાં શ્રેષ્ઠ તહેવારોમાં પ્રવેશ કરવાના સપના ઉત્તર ભારતીય કારીગરો પરત ફરવાને કારણે રોળાઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ છે.