એશિયન ગેમ્સમાં ચમકેલા ગુજરાતના તારલાઓનું અમદાવાદમાં સ્વાગત

અમદાવાદ, તા.6
તાજેતરમાં ઇન્ડોનેશિયાના જકાર્તામાં રમાયેલી એશિયન ગેમ્સમાં મેડલ વિજેતાં ગુજરાતના ચાર ખેલાડીઓનું અમદાવાદ એરપોર્ટ પર ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું હતું. ગુરૂવારે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચેલાં ચાર ખેલાડીઓનું સ્વાગત કરવા તેમના પરિવારજનો તો પહોંચ્યા હતા સાથે સાથે સેંકડો લોકો પણ તેમને વધાવવા પહોંચ્યા હતા. એરપોર્ટ આવ્યા બાદ ખુલ્લી જીપમાં સરઘસ આકારે ચારે ખેલાડીઓ નીકળ્યાં ત્યારે તેમના સ્વાગત માટે પહોંચેલા અનેક લોકોએ તેમનું અભિવાદન કર્યું હતું. ગોલ્ડ મેડલ વિજેતા સરિતા ગાયકવાડ, બ્રોન્ઝ મેડલ વિજેતા અંકિતા રૈના,બ્રોન્ઝ મેડલ વિજેતા હરમીત દેસાઇ અને માનવ ઠક્કરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર આવેલાં ટેબલ ટેનિસની ટીમના બ્રોન્ઝ મેડલ વિજેતા હરમીત દેસાઇએ મીડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અમારા સ્વાગત માટે અહીં આટલાં બધા લોકો આવ્યા છે તે ખુશીની વાત છે.
ગુજરાતના લોકોનું વલણ સ્પોર્ટ્સ તરફ નહોતું જે બદલાઇ રહ્યું છે.આ વાતનો અમને આનંદ છે.હવે અમે ઓલ્મ્પિકની તૈયારીમાં લાગી જઇશું.
ટેનિસમાં કાંસ્ય ચંદ્રક વિજેતાં અંકિતા રૈનાએ કહ્યું હતું કે મેં અહીંથી ટેનિસ રમવાનું શરૂ કર્યું જે મારા માટે ગૌરવની વાત છે.હું ગુજરાતના સ્પોર્ટ્સ પર્સનને એટલું કહીશ કે તમારા સ્વપ્ન સાકાર કરવા માટે ખુબ મહેનત કરો.
ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ વિજેતાં માનવ ઠક્કરે કહ્યું કે અહીં આટલાં બધા લોકો અમારા સ્વાગત માટે આવ્યાં છે જે જોઇને સારૂ ફીલ થાય છે.હું ગુજરાતના લોકોને કહીશ કે સ્પોર્ટ્સમાં જોડાવ.હવે સરકારનો સપોર્ટ પણ સારો રહ્યો છે.આવી રીતે ચાલતું રહ્યું તો અમે હજુ વધુ સારૂ પરફોર્મ કરીશું.
ભારતીય ટેબલ ટેનિસ પુરુષ ટીમે એશિયન ગેમ્સમાં ઇતિહાસ સર્જીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.. ખાસ વાત એ છે કે ભારતીય પુરુષ ટેબલ ટેનિસ ટીમમાં ગુજરાતના બે ખેલાડી હરમિત દેસાઇ અને માનવ ઠક્કર સામેલ હતા. આથી પહેલીવાર એવું બન્યું છે કે ગુજરાતના કોઇ ખેલાડીને ટેબલ ટેનિસમાં એશિયન ગેમ્સમાં ચંદ્રક મળ્યો હોય.
ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે 4એકસ400 રિલે દોડની મહિલા ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. તો બીજી તરફ અંકિતા રૈનાએ ટેનિસમાં બ્રોન્ઝ જીતી ઈતિહાસ રચ્યો. કેમકે એશિયન ગેમ્સમાં ટેનિસમાં મેડલ જીતનાર અંકિતા સાનિયા મિર્ઝા બાદ માત્ર બીજી ભારતીય મહિલા ટેનિસ ખેલાડી છે.
એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી સરિતા ગાયકવાડે સુરત, ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે ત્યારે હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિર્વિસટીએ સરિતા ગાયકવાડને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરતા તેની સિદ્ધિઓમાં વધારો થઇ ગયો છે. નોંધનીય છે કે, સરિતા ગાયકવાડે દક્ષિણ ગુજરાત યુનિર્વિસટી સંલગ્ન ચીખલીની કોલેજમાં પ્રવેશ બાદ જ રમતગમત ક્ષેત્રે એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરી છે.