ગીતા, કુરાન કે બાઈબલ પરથી જીએસટી નહીં હટે

મુંબઇ તા,6
આધ્યાત્મિક જ્ઞાન જરૂરી નથી કે ટેક્સ ફ્રી જ હોય. મહારાષ્ટ્રમાં જીએસટી કોર્ટે ચૂકાદો આપ્યો છે કે હવે, ધાર્મિક ગ્રંથ, ધાર્મિક મેગેઝીન અને ડીવીડીની સાથોસાથ ધર્મશાળા અને લંગર પણ જીએસટીનાં દાયરામાં હશે. આ અંગે કોર્ટે દલીલ કરી છે કે આ વસ્તુઓનું વેચાણ એક વ્યવસાય છે અને તેને દાન સમજીને ટેક્સ ફ્રી ન કરી શકાય.
મહારાષ્ટ્રની કોર્ટ પાસે ટેક્સ સંબંધી આ મામલો શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્રની વિરુદ્ધ આપ્યો છે. કોર્ટની સામે સંસ્થાએ દલીલ કરી હતી કે, તેનું મુખ્ય કાર્ય ધાર્મિક અને આધ્યાત્મિક શિક્ષણનો પ્રસાર કરવાનું છે, આથી તેનાં કામને વ્યવસાયની વ્યાખ્યા ન આપવી જોઈએ.
જણાવી દઈએ કે સી જીએસટી એક્ટનાં સેક્શન 2(17) અંતર્ગત જો ઘર્મ સાથે સંકળાયેલ ટ્રસ્ટ કોઈ કામનો સહારો લે અને ત્યાં કોઈ વસ્તુ કે સેવા માટે પૈસા લેવામાં આવે તો તેને વ્યવસાયની શ્રેણીમાં મૂકવામાં આવશે અને તેનાં પર 18 ટકા જીએસટી લેવામાં આવશે.
પોતાની અપીલ સાથે સંસ્થાએ દાવો કર્યો હતો કે, ધાર્મિક પ્રસારનાં તેનાં મુખ્ય દાયિત્વને નિભાવવા માટે ધાર્મિક ગ્રંથ, મેગેઝીન, મ્યૂઝીક સીડી સહિત ધર્મશાળા અને લંગર લગાવવાનું કામ કરે તો, તેને જીએસટીનાં દાયરામાંથી બહાર રાખવા જોઈએ.
પરંતુ, મહારાષ્ટ્ર જીએસટી કોર્ટે આજે આપેલા ચૂકાદામાં આ તમામ પ્રવૃત્તિઓને વ્યવસાયનાં દાયરામાં ગણીને તેનાં પર 18 ટકા જીએસટી લેવાનો નિર્ણય આપ્યો છે. આથી, જો કોઈ ધાર્મિક સંસ્થા શ્રીમદ ભગવત ગીતા, કુરાન અથવા બાઈબલ જેવા ધાર્મિક ગ્રંથોનું વેચાણ કરતી હશે તો તેને જીએસટીનાં દાયરામાં રાખવામાં આવશે.