બંગાળી અભિનેત્રી પાયલની હોટેલમાં લાશ મળી આવી

કોલકાતા, તા.6
બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી પાયલ ચક્રબર્તી સિલીગુડીની એક હોટલમાં બુધવારે મૃત મળી આવી હતી. પોલીસ અત્યારે આ ઘટનાની તપાસ કરી રહી છે અને શરૂઆતી રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે તેણે આત્મહત્યા કરી છે. દક્ષિણી કોલકાતાની પાયલે સિલીગુડી ચર્ચ રોડ પાસે આવેલી એક હોટલમાં મંગળવારે ચેક ઇન કરી હતી. હોટલનાં કર્મચારીઓનાં જણાવ્યા પ્રમાણે તે ગુરૂવારે સવારે ગંગટોક માટે રવાના થવાની હતી. જો કે તે બુધવારે હોટલની બહાર નીકળી નહતી. કર્મચારીઓનાં જણાવ્યા પ્રમાણે તે જ્યારથી આવી હતી ત્યારથી હોટલનો રૂમ બંધ હતો. ઘણીવાર દરવાજો ખખડાવ્યો હોવા છતા જ્યારે કોઇ જ જવાબ ના મળ્યો ત્યારે પોલીસને જાણ કરવામાં આવી. પોલીસનાં આવ્યા બાદ દરવાજાનું લોક તોડવામાં આવ્યું ત્યારે પાયલની લાશ મળી આવી હતી. પાયલે ઘણી બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે અને ટીવી સીરિયલમાં પણ કામ કરેલું છે. પાયલ અપકમિંગ બંગાળી ફિલ્મ કેલોમાં જોવા મળવાની હતી.