મોદીનો ટીવી ઈન્ટરવ્યૂ ‘ફિકસ’ હતો: કોંગ્રેસ

નવી દિલ્હી તા,13
વડા પ્રધાન મોદીએ ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂ પર પ્રત્યાઘાત આપતાં કોંગ્રેસના નેતા શકીલ એહમદે જણાવ્યું હતું કે, આ એક ફિક્સ ઇન્ટરવ્યૂ હતો, જો વડા પ્રધાનમાં હિંમત હોય તો જાહેરમાં પત્રકાર પરિષદ કરી બતાવે. છેલ્લાં સાડા ચાર વર્ષનાં એનડીએનાં શાસનમાં વડા પ્રધાન મોદીએ એકપણ પત્રકાર પરિષદ યોજી જનતાના સવાલના જવાબ આપ્યા નથી.
એનઆરસી પર પીએમ મોદીનાં નિવેદન પર એહમદે જણાવ્યું હતું કે, મોદીનું નિવેદન તેમની જ પાર્ટીના નેતાઓએ આપેલાં નિવેદનોથી અલગ પડે છે. ભાજપના એક ધારાસભ્યે જણાવ્યું હતું કે, એનઆરસીમાં 40 લાખ લોકોને બાકાત રાખવામાં આવ્યાં છે, પરંતુ મોદી કહે છે કે, 40 લાખ બાંગ્લાદેશી ઘૂસણખોર છે.
મહાગઠબંધન પર મોદીએ કરેલી ટિપ્પણીનો જવાબ આપતાં શકીલ એહમદે જણાવ્યું હતું કે, 1977 અને 1988માં ભાજપ પોતે તે સમયે રચાયેલા વિપક્ષી મહાગઠબંધનનો હિસ્સો હતો. દેશમાં છેલ્લા એક વર્ષમાં એક કરોડ નોકરી પેદા થઈ હોવાના પીએમ મોદીના દાવા પર કોંગ્રેસનેતાએ જણાવ્યું હતું કે, 2016માં થયેલા બેરોજગારી સરવેમાં રોજગારસર્જનના વાસ્તવિક આંકડાનો ચિતાર જ અપાયો નહોતો. સરકાર વકીલો અને રિક્ષાચાલકોને રોજગાર આપ્યાના દાવા કરી રહી છે.