‘નાસા’ના મિશન સૂર્ય માટે ભારતીય મૂળના વૈજ્ઞાનિક નિમિત બન્યા

નવીદિલ્હી તા.13
60 વર્ષ અગાઉ ભારતીય અમેરિકન ઍસ્ટ્રોફિઝિસ્ટ સુબ્રમણ્યન ચંદ્રશેખરે દરમિયાનગીરી કરીને સૌરપવનોના અસ્તિત્વ અંગેનું સંશોધન પેપર છપાવ્યું ન હોત તો સૂર્યને સ્પર્શવાનું મનુષ્ય જાતિનું સૌપ્રથમ મિશન કદાચ અલગ રીતે લખાયું હોત.
રવિવારે અમેરિકા દ્વારા સૂર્યમિશન માટે રવાના કરવામાં આવેલું અવકાશયાન સૌરપવનોથી લઈને સૂર્યનાં વાતાવરણનો અભ્યાસ કરી તેનાં રહસ્યો ખોલશે.
જેનું નામ મિશનને આપવામાં આવ્યું હોય તેવા ડો. યુજીન ન્યૂમેન પાર્કર એક માત્ર એવા જીવિત વૈજ્ઞાનિક છે.
નાસાનું પાર્કર સોલર પ્રોબ સંપૂર્ણ સૂર્યગ્રહણ વખતે ચંદ્ર જ્યારે સૂર્યના પ્રકાશિત ભાગને અવરોધે છે ત્યારે પૃથ્વી પરથી સૂર્યનો જે ભાગ દેખાય છે તે સૂર્યનાં તેજોવલયનો અભ્યાસ કરશે.
વર્ષ 1958માં 31 વર્ષના પાર્કરે સૂચન કર્યું હતું કે સૂર્યમાંથી વીજભાર ધરાવતા પરમાણુઓ સતત નીકળીને અવકાશને ભરી દે છે.
જોકે વૈજ્ઞાનિક સમુદાયે તે સ્વીકારવાનું નકારી કાઢ્યું હતું કેમ કે તે સમયે એ લોકો એમ માનતા હતા કે અવકાશ એટલે સંપૂર્ણ શૂન્યવકાશ.
ઍસ્ટ્રોફિઝિકલ જર્નલમાં તેમણે તેમની આ થિયરીને લગતી વિગતો રજૂ કરી હતી, પરંતુ તેને બે વાર નકારી કાઢવામાં આવી હતી.
જોકે આ થિયરી નકારી કાઢવામાં આવી હોવા છતાં એસટ્રોફિઝીકલ જર્નલના વરિષ્ઠ તંત્રીએ આ સંશોધનપત્ર પ્રસિદ્ધ થાય એનો નિર્ણય લીધો હતો. આ વરિષ્ઠ તંત્રી હતા સુબ્રમણ્યન ચંદ્રશેખર.