શું ચીન ભારતની ચલણી નોટ છાપે છે?

નવી દિલ્હી તા. 13
શું ભારતીય ચલણી નોટો ચીનમાં છપાય છે? ચીનના મીડિયામાં આવેલો એક રિપોર્ટ તો આવો જ કંઈક ઈશારો કરે છે. એટલું નહીં કોંગ્રેસ નેતા શશિ થરૂરે આ મામલે સરકાર પાસે સ્પષ્ટતા માગી છે. ચીનના એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, ભારત, નેપાળ, બાંગ્લાદેશ, મલેશિયા, થાઈલેન્ડ સહિતના ઘણા દેશોની કરંસી ચીન સ્થિત પ્રિન્ટિંગ પ્રેસમાં છાપવામાં આવે છે.
આ રિપોર્ટ બેલ્ટ એંડ રોડ પ્રોજેક્ટના કારણે ચીનમાં અન્ય દેશોની નોટોની પ્રિટિંગનો વધતો કારોબાર અને ત્યાંની અર્થવ્યવસ્થા પર પડતી અસર સંબંધિત છે. રિપોર્ટમાં ભારતનો પણ ઉલ્લેખ છે. જો કે સરકાર તરફથી આ બાબતે હજુ કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી.
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવીને સરકાર પાસે આ બાબતે સ્પષ્ટીકરણ માગ્યું છે. થરૂરે કેંદ્રીય મંત્રી અરુણ જેટલી અને પિયૂષ ગોયલને ટેગ કરીને ટ્વિટ કર્યું છે કે, જો આ રિપોર્ટ સાચો છે તો આની રાષ્ટ્રીય સુરક્ષા પર ઘાતક અસર થઈ શકે છે. પાકિસ્તાન માટે કરંસીની નકલ કરવી વધારે સરળ થઈ જશે. પીયૂષ ગોયલ અને અરુણ જેટલી આ બાબતે મહેરબાની કરીને સ્પષ્ટતા કરે.
આ રિપોર્ટની પુષ્ટિ માટે ચીનના મીડિયાએ બેંક નોટ એંડ પ્રિન્ટિંગ કોર્પોરેશનના પ્રેસિડેંટ લિયૂ ગુશેંગનો 1 મેના રોજ છપાયેલા ઈન્ટરવ્યૂને ટાંક્યો છે. ગુશેંગે આ ઈંટરવ્યૂમાં જણાવ્યું હતું કે 2013માં ચીનમાં વિદેશી નોટોનું છાપકામ શરૂ થયું અને હવે અહીંની પ્રિન્ટિંગ પ્રેસમાં ભારત, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, મલેશિયા, થાઈલેન્ડ, બ્રાઝીલ, પોલેન્ડ સહિતના દેશોની નોટો છાપવામાં આવે છે.