ગેરકાયદે ગર્ભપાતમાં મૃત્યુ કિસ્સામાં મહિલા તબિબ, પ્રેમીને 3 વર્ષની કેદ

મોરબી તા.29
મોરબીમાં પ્રેમીએ પ્રેમિકાનો 4 માસનો ગર્ભ હટાવવા માટે ગર્ભપાતની ડીગ્રી વગરના મહિલા તબીબીનો સહારો લીધો હતો. મહિલા તબીબના અણઆવડતભર્યા ઓપરેશનને કારણે પ્રેમિકાનું મોત નીપજ્યું હતું. આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે પ્રેમી અને મહિલા તબીબને 3 વર્ષની સખત કેદની સજા ફટકારી છે પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં રાજેશ નાગજી ઉમડિયા નામના શખ્સે તેની પ્રેમિકા સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધીને 4 માસનો ગર્ભ રાખી દીધો હતો. બાદમાં પ્રેમિકાના માતા પિતાની મંજૂરી વગર ગર્ભપાત કરાવા માટે તેને ડો. નિરૂપા જયેશ કાસુન્દ્રાના કાશી નર્સીગ હોમ ખાતે લઈ જવામાં આવી હતી.
આ તબીબ પાસે ઓપરેશનની ડીગ્રી નહી હોવા છતાં ગેરકાયદે તેને ગર્ભપાતનું ઓપરેશન કર્યું હતું આ ઓપરેશન ખામી યુક્ત રહેતા સગર્ભાના ગર્ભાશયમાં પંચર પડી ગયું હતું. બાદમાં તેને મોરબી અને રાજકોટની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જયાં તેણીએ દમ તોડયો હતો. મામલે સગર્ભાના પિતાએ પ્રેમી અને તબીબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ કેસ ડિસ્ટ્રીકટ જજ ધોધારીની કોર્ટમાં ચાલી જતા ફરીયાદી પક્ષના વકીલ ડી.આર. આદ્રોજાની દલીલોને આધારે કોર્ટે પ્રેમી રાજેશ નાગજી ઉમડિયાને તેમજ મહિલા તબીબ ડો. નિરૂપા જયેશ કાસુન્દ્રાને કસૂરવાર ઠેરવીને બન્નેને 3 વર્ષની સખત કેદ તેમજ રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો છે.