ખંભાળીયાનાં બેહ ગામના ખેડુતનો પાક નિષ્ફળ જવાની દહેશતથી આપઘાત

ખંભાળીયા તા.29
ખંભાળીયા પંથકમાં આ વર્ષે વરસાદ ઓછો થવાના કારણે દુષ્કાળ જેવી પરીસ્થિતિનું નિર્માણ થયું છે. આ સ્થિતિમાં ખંભાળીયા તાલુકાના બેહ ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા કરમણભાઇ ઘેલાભાઇ હરગાણી નામના પ4 વર્ષના પ્રૌઢે તેમના ખેતરમાં વાવેલા પાક પ્રત્યે ચિંતિત હતા.વરસાદ સારો ન થવાના કારણે તેમના ખેતરમાં પાક નિષ્ફળ જશે તેવા ભયથી કરમણભાઇ હરગાણીએ ગઇકાલે શુક્રવારે પોતાના હાથે ગળાફાંસો ખાઇ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર ઘેલુભાઇ કરમણભાઇ હરગાણીએ અહીંની પોલીસને જાણ કરી છે.
બાળકનું અકળ કારણોસર મૃત્યુ
ખંભાળીયા તાલુકાના ભાતેલ ગામે રહેતા અને મુળ મધ્યપ્રદેશના મેવાડ તાલુકાના વતની કમલેશભાઇ રીધુભાઇ ઠાકોરનો એક વર્ષનો પુત્ર મુકેશ શુક્રવારે સુઇ ગયા બાદ કોઇ કારણોસર સવારે ન ઉઠતા તેનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ કમલેશભાઇ ઠાકોરે અહીંની પોલીસને કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
બાઈક સ્લીપ થતા
ભાણવડ તાલુકાના આંબરડી ગામે રહેતા સતવારા હરેશભાઇ ચનાભાઇ કણઝારીયા તેમના ધર્મપત્ની પ્રફુલ્લાબેન (ઉ.વ.38) સાથે મોટરસાયકલ પર બેસીને જઇ રહ્યા હતા ત્યારે માર્કેટીંગ યાર્ડ નજીકના રોડ પર બાઇક આડે કુતરુ ઉતરતા અકસ્માત સર્જાયો હતો અને પાછળ બેઠેલા પ્રફુલ્લાબેન પડી જતા તેમને ગંભીર ઇજાઓ સાથે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ હરેશભાઇ કણઝારીયાએ ભાણવડ પોલીસને કરી છે.